અમદાવાદના વાસણા વિસ્તારમાં સોસાયટીની માલિકીની મિલકત બરોબર વેચી નાખતા ચેરમેન-સેક્રેટરી
અમદાવાદના વાસણા વિસ્તારમાં આંબેડકર બ્રિજના છેડે આવેલ પુનીત એપાર્ટમેન્ટ નામની સોસાયટી આવેલી છે, જેનો રેકર્ડ તપાસ કરતા ઉપરોક્ત સોસાયટી અમદાવાદ મ્યુ. કોર્પોરેશનના માલિકીના અને ૯૯ વર્ષના ભાડે અપાયેલ પ્લોટ ઉપર બનેલ સોસાયટી છે, ઉપરોક્ત સોસાયટીના રહીશોએ આપેલી આધારભૂત માહિતી મુજબ આ સોસાયટીના ચેરમેન-સેક્રેટરીએ મેળાપીંપણુ કરી ને, સાંઠગાંઠ કરીને સોસાયટીના રહીશોના ઉપયોગ માટે બનાવવામાં આવેલ ભોયરાની જગ્યા સોસાયટીના કોઈ પણ સભ્યોને વિશ્વાસમાં લીધા સિવાય કે કોઈની મંજૂરી લીધા સિવાય બરોબર પોતાના એક નજીકના સગાને વેચાણ કરી દીધેલ છે, જે સોસાયટી એક્ટના કાયદા અને નીતીનીયમની વિરુદ્ધનું કૃત્ય છે, આ અંગે સોસાયટીના જાગૃત સભ્યો સાથે મળી ટૂંક સમયમાં પોલીસ ફરિયાદ નોંધાવવાના હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ અંગે સ્થાનિક રહીશોની પૂછપરછ કરતા પુનીત એપાર્ટમેન્ટમાં સોળ કરતા વધુ કોમર્શીયલ દુકાનો આવેલી છે અને આ દુકાનદારોની સગવડ સાચવવા માટે નીતિનિયમ અને કાયદાની વિરુદ્ધ ફ્લેટના પાર્કિંગમાં સદંતર ખોટી રીતે મુતરડી બનાવી દેવામાં આવી છે જેને કારણે પુનીત ફ્લેટની બિલકુલ સામે આવેલ ફ્લેટની બહેન દીકરીઓનું પોતાના જ ઘરની ગેલેરીમાં ઉભું રહેવું મુશ્કેલ થઇ ગયું છે. આ અંગે વારંવાર સોસાયટીના ચેરમેન સેક્રેટરીનું ધ્યાન દોરવા છતાં આજદિન સુધી કોઈ પગલા ભરવામાં આવતા નથી.
છેલ્લા ઘણા સમયથી વાસણા વિસ્તારમાં જુના ફ્લેટ તોડી નવા બનાવવાનું રી-ડેવલપમેન્ટનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે અને હવે ગમે ત્યારે પુનીત એપાર્ટમેન્ટ પણ ત્રીસ-પાંત્રીસ વર્ષ જૂની સ્કીમ હોય રી-ડેવલપમેન્ટમાં જવાની હોવાથી ચેરમેન-સેક્રેટરીએ ભવિષ્યમાં કોઈ બિલ્ડર પાસેથી મસમોટી રકમ લઇ શકાય તેવા આશયથી સોસાયટીની મિલકત બરોબર વેચી હોય તેવું લાગી રહ્યું છે. જો આ અંગે પોલીસ તપાસ કરવામાં આવે તો અહી બીજા અનેક રહસ્યો બહાર આવી શકે તેમ છે તેવું ફ્લેટના જ રહીશો જણાવી રહ્યા છે.
Leave a Reply