૪૦૦+ બેઠકો જીતવાનો દાવો કરનાર ભાજપ અંદરથી ભયભીત કેમ છે…?
૪૦૦ + બેઠકો જીતવાનો દાવો કરનાર ભાજપ અંદરથી ભયભીત કેમ છે…?
દેશમાં લોકસભા ચૂંટણીનું બ્યુગલ વાગી ચુક્યું છે, દરેક રાજકીય પક્ષ ચૂંટણી માટે પોતપોતાના સોગઠા ગોઠવી રહ્યા છે, જયારે એક વિચારવા જેવી બાબત સામે એ આવી છે કે ૪૦૦+ બેઠકો જીતવાનો દાવો કરનાર ભારતીય જનતા પાર્ટી ચૂંટણી અગાઉ અંદરથી ભયભીત કેમ છે..? જો તેમને ૪૦૦+ બેઠકો જીતવાનો વિશ્વાસ હોય તો વિપક્ષના સભ્યો તોડીને કેમ તેમને માનભેર પોતાના પક્ષમાં લાવવા પડે છે..? એક વિપક્ષના નેતાઓને ચૂંટણી સમયે જ વિવિધ આરોપ અને આક્ષેપ હેઠળ વિવિધ એજન્સીઓ મારફત હેરાન કરવામાં આવી રહ્યા છે.
વિપક્ષના ઉમેદવારો ડરીને કે ભયભીત બનીને છેલ્લી ઘડીએ ચૂંટણી મેદાન છોડી એ તે સ્વાભાવિક છે પરંતુ સત્તાધારી પક્ષના સીનીયર કહી શકાય તેવા ઉમેદવારો ચૂંટણી મેદાન છોડી દે તે સત્તાધારી પક્ષ માટે ચિંતાનો વિષય તો બને જ છે સાથે સાથે મતદારો માટે પણ ચિંતન અને મનનનો વિષય બની જાય છે.
અમદાવાદ પૂર્વના ઉમેદવાર રોહન ગુપ્તા એ છેલ્લી ઘડીએ ઉમેદવારી કરવાની અનિચ્છા દર્શાવતા ભાજપના અનેક આગેવાનો એ તેમની અને કોંગ્રેસની મજાક ઉડાવી હતી, એ વાતને હજી બે દિવસનો સમય પણ થયો નથી ત્યાં વડોદરાના પીઢ અનુભવી અને તે ટર્મ સંસદ રહેલા રંજનબેન ભટ્ટે ટ્વીટર પર પોસ્ટ મૂકી પોતે ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી છે. જે ભાજપ માટે ખુબ જ શરમજનક પણ કહી શકાય અને ઊંડી ચિંતાનો વિષય પણ કહી શકાય. હજી રંજનબેને કેમ અનિચ્છા દર્શાવી તે ચર્ચા શરુ થાય તે અગાઉ જ સાબરકાંઠા લોકસભાના ભાજપના ઉમેદવાર કાન્તીભાઈ ઠાકોરે પણ ફેસબુક પોસ્ટ મૂકી ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી છે, લાગે છે આવતીકાલના ગ્રહણની અસરો આજથી જ ભાજપ પર શરુ થઇ ગઈ છે.
આ ઘટના કોઈ અન્ય રાજયમાં બની હોત તો આટલી ચર્ચા કરવાની જરૂર ના પડતી પરંતુ વડાપ્રધાન નરેન્દ્રમોદીના ગૃહ રાજ્ય ગુજરાતમાં આ ઘટના બની હોવાથી તેનું મહત્વ વધી જાય છે. શિસ્તબદ્ધ કહેવાતી ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો કદાચ હવે કોંગ્રેસમાંથી આવી રહેલા સભ્યોથી કંટાળ્યા અને થાક્યા હોય તેમ પહેલી નજરે લાગી રહ્યું છે.
ગુજરાતમાં છેલ્લા કેટલાક મહિનાઓમાં બનેલી ઘટનાઓથી ગુજરાતના સરકારી કર્મચારીઓ અને યુવાનોમાં સરકાર પ્રત્યે રોષ જોવા મળી રહ્યો છે. મહિલાઓ પણ ગેસના ભાવ વધારા અને ઘર વપરાશની ચીજોમાં ભાવ વધારાથી પરેશાન છે ત્યારે આ સંજોગોમાં ગુજરાતની પણ ૨૬ માંથી ૨૬ બેઠક જાળવી રાખવી ભાજપ માટે ખુબ જ મુશ્કેલ છે.
Leave a Reply