ગુજરાત સાહિત્ય અકાદમી અને શબ્દશ્રી આયોજિત ત્રિદિવસીય ‘ગઝલોત્સવ’ સફળતાપૂર્વક સંપન્ન
ગુજરાત સાહિત્ય અકાદમી અને શબ્દશ્રી આયોજિત ત્રિદિવસીય ‘ગઝલોત્સવ’ સફળતાપૂર્વક સંપન્ન
તાજેતરમાં ગુજરાત સાહિત્ય અકાદમી અને શબ્દશ્રી આયોજિત એચ. કે. કૉલેજ હોલમાં સતત સાતમાં વર્ષે યોજાયેલ ‘ગઝલોત્સવ’ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. જેમાં ગુજરાતના ૭૫ કલાકારો એમની કલાપ્રસ્તુતિ કરી હતી.
આ મહોત્સવનું ઉદઘાટન ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ અને જાણીતા સાહિત્યકાર ભાગ્યેશ જહા કર્યું હતું અને સમાપન સુખ્યાત શિક્ષણવિદ, લેખક મહામાત્ર ડૉ. જયેન્દ્રસિંહ જાદવ કર્યું હતું. નવભારત સાહિત્ય મંદિરના મહેન્દ્રભાઈ શાહને શ્રેષ્ઠ પ્રકાશક-વિક્રેતાના એવોર્ડથી સન્માનિત કર્યા હતા.
‘ગઝલોત્સવ’ને જાણીતા કવયિત્રી લતા સોની-કાનુગાને અર્પણ કર્યો હતો. અતિથિવિશેષ રૂપે ડૉ. ધર્મેશ ઠક્કર (આશ્રય ડેન્ટલ ક્લિનિક) ઉપસ્થિત રહ્યા હતા.
કવિ તુષાર શુક્લ, દલપત પઢિયાર, આર.જે. દેવકી, રમેશ ચૌહાણ, જિતેન્દ્ર જોશી, અશોક ચાવડા, રક્ષા શુક્લ, જિગર ઠક્કર, મુકેશ જોશી વગેરેએ કાવ્યપાઠ કર્યો હતો. સદીના સર્વશ્રેષ્ઠ શાયર મરીઝના જીવન-કવન આધારિત સદીનું સર્વશ્રેષ્ઠ નાટક ‘મરીઝ’ કલાકારોના કાફલા સાથે ભજવાયું હતું જેને ઉપસ્થિત શ્રોતાઓની મનભરીને વખાણ્યું હતું.
શ્યામલ-સૌમિલ-આરતી મુનશી, માયા દીપક, ડૉ. ફાલ્ગુની શશાંક, ઊર્મિશ મહેતા-વૈશાલી મહેતા, નયન પંચોલી, વનરાજ શાસ્ત્રી, પ્રથા ખાંડેકર, રાગ પટેલ, ડૉ. કૃતિ મેઘનાથી ઈત્યાદિ ગાયકો પોતાની ગાયકી રજૂ કરી હતી. સુપ્રસિદ્ધ સંગીતકાર મયુર દવે સંકલન કર્યું હતું અને જાણીતા ગઝલકાર હરદ્વાર ગોસ્વામીએ સંચાલન કર્યું હતું.
સતત ત્રણ દિવસ ચાલેલા ‘ગઝલોત્સવ’ને માણવા મોટી સંખ્યામાં ભાવકો ઉપસ્થિત રહ્યા હતા. સાથે સાથે અમદાવાદ શહેરના નામાંકિત અને પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિઓ, પત્રકારો અને સિનેમા અને નાટ્યજગતના મહારથીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Leave a Reply