શું કહે છે જુનાગઢ લોકસભા બેઠકનો ઈતિહાસ : છેલ્લા બે સાંસદ ઉપર લાગ્યો છે હત્યાનો આરોપ

શું કહે છે જુનાગઢ લોકસભા બેઠકનો ઈતિહાસ : છેલ્લા બે સાંસદ ઉપર લાગ્યો છે હત્યાનો આરોપ

Spread the love

શું કહે છે જુનાગઢ લોકસભા બેઠકનો ઈતિહાસ : છેલ્લા બે સાંસદ ઉપર લાગ્યો છે હત્યાનો આરોપ

જુનાગઢ શહેર એટલે સાધુ સંતોનું શહેર, ભગવાન ભોળાનાથના સાધકો માટે શ્રદ્ધા અને આસ્થાનું શહેર, જુનાગઢ એટલે ગગન સામે છાતી કાઢીને ઉભેલા ગરવા ગીરનારનું શહેર, જુનાગઢ એટલે ડાલામઠા સાવજના ઠામ ઠેકાણાનું શહેર, આ શહેરના અતિતમાં નજર નાખો તો એક જાજરમાન ઈતિહાસ આ શહેરની રોનકની સાક્ષી પૂરી રહ્યો છે. રા’નવઘણ થી લઇ નવાબ ભુટ્ટો સુધી જૂનાગઢની શૌર્યતા ઇતિહાસમાં જોઈ શકાય છે.

આજે આપણે વાત કરવી છે જુનાગઢ લોકસભા બેઠકના ઇતિહાસની અને આ બેઠક પરથી છેલ્લા બે સાંસદ પર લાગેલા હત્યાના આરોપની અને આ અંગે શું કહે છે સ્થાનિક લોકો તે વિશેની…

જુનાગઢ લોકસભા બેઠક વર્ષ ૧૯૬૨ થી અસ્તિત્વમાં આવેલી છે. અહી વર્ષ ૧૯૬૨માં યોજાયેલ લોકસભા ચૂંટણીમાં રઘુવંશી લોહાણા સમાજમાંથી આવેલા કોંગ્રેસના ઉમેદવાર સી.આર.રાજા વિજેતા બન્યા હતા. ત્યારબાદ વર્ષ ૧૯૬૭ માં યોજાયેલ ચૂંટણીમાં સ્વતંત્ર પાર્ટીના ઉમેદવાર વીરેન શાહ વિજેતા બન્યા હતા. ૧૯૭૧ માં યોજાયેલ ચૂંટણીમાં ફરી આ બઠક પર કોંગેસના ઉમેદવાર નાનજીભાઈ વેકરીયાએ જીતીને કબજો કર્યો હતો.

૧૯૭૭ માં યોજાયેલ લોકસભા ચૂંટણીમાં ફરી એકવાર લોહાણા સમાજમાંથી આવતા જનતા પાર્ટીના  ઉમેદવાર નરેન્દ્રભાઈ નથવાણી આ બેઠક પર વિજેતા બન્યા હતા. ૧૯૮૦ અને ૧૯૮૪ માં યોજાયેલ ચૂંટણીમાં કોંગેસના મોહનભાઈ પટેલ આ બેઠક પરથી વિજેતા બન્યા હતા. અને પ્રથમ વખત આ બેઠક પર બે વખત સાંસદ બનવાનો રેકોર્ડ સ્થાપિત કર્યો હતો.

૧૯૮૯ ની ચૂંટણીમાં બોફોર્સ કાંડ અને ભાજપની રથયાત્રાએ દિલ્હીમાં પરિવર્તન કર્યું હતું તેની અસર જુનાગઢ બેઠક ઉપર પણ પડી હતી અહી પ્રથમ વખત જનતા દળના ઉમેદવાર ગોવિંદભાઈ શેખડા વિજેતા બન્યા હતા.

૧૯૯૧ થી ૨૦૦૪ સુધી અહી ભાજપના ઉમેદવાર ભાવનાબેન ચીખલીયા જીતીને સાંસદ તરીકે રહેલા છે.

૨૦૦૪ માં યોજાયેલ ચૂંટણીમાં કોંગેસના ઉમેદવાર જસુભાઇ બારડ આ બેઠક ઉપર વિજેતા બન્યા હતા અને ફરી એકવાર આ બેઠક કોંગ્રેસના કબજામાં આવી હતી.

૨૦૦૯ માં યોજાયેલ ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર દિનુભાઈ સોલંકી આ બેઠક પરથી ખુબ જ સામાન્ય માર્જીનથી જીતી આ બેઠક કબજે કરી હતી, તેઓ સાંસદ હતા તે દરમ્યાન જ સ્થાનિક યુવાન આર.ટી.આઈ. એક્ટીવિષ્ટ અમિત જેઠવાની હત્યાનો આરોપ તેમની પર લાગતા અને પોલીસ ફરિયાદ થતા આ બેઠક પર વર્ષ ૨૦૧૪ માં યોજાયેલ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ રાજેશ ચુડાસમાને ટીકીટ આપી હતી. આ ચૂંટણીમાં તેઓ કોંગ્રેસના પૂંજાભાઈ વંશ ને હરાવી વિજેતા બન્યા હતા.

૨૦૧૯ માં યોજાયેલ ચૂંટણીમાં ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીએ રાજેશ ચુડાસમાને ટીકીટ આપી ઉમેદવાર બનાવ્યા હતા અને સામે કોંગેસ પક્ષે પણ અગાઉ ૨૦૧૪ માં હારી ગયેલા પૂંજાભાઈ વંશને ફરી ટીકીટ આપી હતી. આ મુકાબલામાં પણ ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમા બીજી વાર આ બેઠક પર કબજો કરવામાં સફળ રહ્યા હતા.

૨૦૨૪ માં યોજાનાર ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ વિલંબ બાદ આ બેઠક પર ફરીથી વર્તમાન સાંસદ રાજેશ ચુડાસમાને ટીકીટ આપી છે, નસીબ કહો કે જોગાનુજોગ કહો પરંતુ વર્ષ ૨૦૨૩ માં વેરાવળના લોહાણા સમાજના પ્રતિષ્ઠિત ડો.અતુલ ચગે આર્થિક લેવડ-દેવડના કારણોસર આત્મહત્યા કરી હતી, અને તેમણે આત્મહત્યા અગાઉ લખેલી સુસાઈડ નોટમાં વર્તમાન સાંસદ અને તેમના પિતા દ્વારા તેમની સાથે ખુબ જ મોટી રકમ લઇ પાછી નાં આપતા હોવાનો નામ જોગ ઉલ્લેખ કરી આત્મહત્યા કરી હતી, જેમાં આટલી મોટી ઘટના છતાં સ્થાનિક પોલીસ દ્વારા કરવામાં આવેલ કામગીરી ‘ના’ બરાબર હતી, જેમાં પીડિતના પરિવાર દ્વારા ફરિયાદ દાખલ કરવા માટે નામદાર ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખટખટાવવા પડ્યા હતા.

આશ્ચર્યજનક રીતે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા વર્ષોથી પક્ષ સાથે જોડાયેલા સમાજના વ્યક્તિએ આત્મહત્યા કરતી વખતે નામજોગ સુસાઈડ નોટમાં ઉલ્લેખ કર્યો હોવા છતાં પરિવારને ન્યાય તો ના આપી શકયા પરંતુ આત્મહત્યા માટે જવાબદાર વ્યક્તિને ફરી આ બેઠક પર ટીકીટ આપી છે.

જુનાગઢ લોકસભા બેઠકનો આજ સુધીનો ઈતિહાસ કહે છે કોઈ ઉમેદવાર અહીંથી ત્રીજી વખત જીતી શક્યો નથી. અને આ વખતે ફક્ત સૌરાષ્ટ્ર જ નહી સમગ્ર ગુજરાતનો લોહાણા સમાજ પોતાના સમાજના એક પ્રતિષ્ઠિત ડો.ની આત્મહત્યા છતાં ન્યાય ના મળતા અને તેમના મૃત્યુ બદલ જવાબદાર વ્યક્તિને ટીકીટ ફાળવવામાં આવતા રોષે ભરાયો છે. જુનાગઢ લોકસભા બેઠકમાં આવતી સાત વિધાનસભા બેઠક જુનાગઢ, વિસાવદર, માંગરોળ, સોમનાથ, કોડીનાર,તલાલા અને ઉના બેઠક પર લોહાણા સમાજના નોંધપાત્ર પ્રમાણમાં મત છે. જો સમાજ સંગઠિત બની વિરુદ્ધમાં મતદાન કરશે તો રાજેશ ચુડાસમાને ચોક્કસ તકલીફ પડી શકે છે.

 

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *