યુગદ્રષ્ટા કે.આઈ.ઠક્કરની વસમી વિદાય : શોકમગ્ન લોહાણા સમાજ
પૂર્વ ઇન્કમટેક્ષ કમિશ્નર અને લોહાણા સમાજ અગ્રણી શ્રી કે.આઈ.ઠક્કર (કાંતીકાકા)નો જીવનદીપ રવિવારે સવારે ૧૧ કલાકે પોતાના નિવાસ્થાને બુજાઈ ગયો છે. છેલ્લા એક મહિનાથી નાદુરસ્ત તબિયત આખરે દગો આપી દેતા ૯૨ વર્ષના કાંતીકાકાએ પોતાની જીવનલીલા સંકેલી લીધી હતી. કાંતીકાકાની અંતિમ ઈચ્છા મુજબ તેમની પાછળ બેસણું કે બારમા જેવી કોઈ પણ લૌકિક ક્રિયાઓ રાખવામાં આવેલ નથી તેમની ઈચ્છા હતી કે જે મને યાદ કરતા હોય તે પોતાના ઘરે જ ભગવાનની માળા કરે.
ખુબ જ સંઘર્ષમય બાળપણ વિતાવી અભ્યાસ કરનાર કે.આઈ.ઠક્કર સાહેબે સમાજના વધુ ભણવા માંગતા દીકરા દીકરીઓ માટે પોતાના જીવનની અંતિમક્ષણ સુધી સેવાઓ આપી છે જેને લોહાણા સમાજ ક્યારેય ભૂલી નહી શકે. આજથી વર્ષો પહેલા લોહાણા સમાજ જયારે શહેર કરતા ગ્રામ્ય વિસ્તારમાં વધુ રહેતો હતો ત્યારે સમાજના બાળકો ઉચ્ચ અભ્યાસ માટે શહેરમાં આવે ત્યારે રહેવા અને જમવાની પડતી તકલીફોને ધ્યાને રાખી આજથી પચાસ વર્ષ પહેલા પાલડી લોહાણા કન્યા છાત્રાલય શુરુ કરવામાં આવ્યું હતું. અને આજે ભારતવર્ષમાં અનેક છાત્રાલયોમાં કાંતીકાકાનો અમુલ્ય ફાળો રહ્યો છે, અનેક છાત્રાલયોમાં ટ્રસ્ટી તરીકે સેવાઓ આપી છે.
કાંતીકાકાની વિદાયના સમાચાર સાંભળી છાત્રાલયમાં ભણી ચુકેલા અનેક વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓ એ પોતાના પિતા ગુમાવ્યા હોય તેવી લાગણી વ્યક્ત કરી છે. કોઈ પણ જાતના વાદ વિવાદ, માન-સન્માન,પદ-પ્રતિષ્ઠા કે અંગત ઇચ્છાઓ રાખ્યા વિના કાંતીકાકાએ સમાજની જે સેવા કરી છે તે વંદન અને અભિનંદનને પાત્ર છે. રવિવારે સાંજે ૪.૩૦ કલાકે તેમની અંતિમ યાત્રમાં લોહાણા મહાપરીષદના પૂર્વ પ્રમુખ પ્રવીણ કોટક, પૂર્વ ખજાનચી હિંમતભાઈ કોટક, આણંદ લોહાણા મહાજન પ્રમુખ પ્રવીણભાઈ ઠક્કર, મહેન્દ્રભાઈ રાયચા, કૌશિકભાઈ મજીઠીયા, રાજેન્દ્રભાઈ મજીઠીયા જેવા અનેક મહાનુભાવોએ ઉપસ્થિત રહી ભીની આંખે આ યુગ પુરુષને આદર સાથે અંતિમ વિદાય આપી હતી.
તોફાની તાંડવ પરિવાર આદરણીય શ્રી કાંતીકાકાએ આજીવન કરેલી સેવાને અંત્યત આદર સાથે ગર્વભેર વધાવે છે અને કાંતીકાકાના દુઃખદ અવસાન નિમિત્તે ઊંડા દુઃખ અને શોકની લાગણી વ્યક્ત કરે છે.
Leave a Reply