મદદ કરનાર વ્યક્તિને બદનામ કરવાનું ષડ્યંત્ર સમાજ માટે નુકશાનકારક
કોઈ પણ વ્યક્તિ ઉપર જયારે કોઈ અણધારી આફત અને મુસીબત આવે ત્યારે સૌથી પહેલા પોતાના મિત્રો પાસે,પછી કુટુંબ પાસે અને અને છેલ્લે સમાજ પાસે મદદની આશા રાખે છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી એવું જોવામાં અને નોંધવામાં આવ્યું છે કે સમાજ પાસે મદદ માંગનાર વ્યક્તિઓ એવી રીતે મદદ માંગી રહી છે કે જાણે સમાજ તેમના પિતાની જાગીર હોય, વ્યક્તિગત હોય કે સમાજ પાસે હોય મદદ માંગનાર વ્યક્તિની ભાષા અને વર્તણુક હંમેશા સૌમ્ય અને શાલીન હોવી જોઈએ. ઘણીવાર એવું બને કે સમાજની સંસ્થા કે સંસ્થા વતી કોઈ વ્યક્તિ ખરેખર તમારી નિખાલસતા પૂર્વક મદદ કરી રહ્યો હોય અને મદદ લેનાર વ્યક્તિ કેટલાક ચોક્કસ સમાજ વિરોધી લોકોનો હાથો બની નિર્દોષતા પૂર્વક કામ કરનાર વ્યક્તિને બદનામ કરી બેસે છે.
આ એક સાવ સીધી અને સરળ લાગતી વાત સામાન્ય રીતે બે કલાક કે બે દિવસમાં પૂરી થઇ જાય છે અને લોકો તેને ભૂલી પણ જાય છે, પરંતુ જો આના દુરોગામી પરિણામોની વાત કરીએ તો ફરી ખરેખર જયારે કોઈ જરૂરિયાત વાળી વ્યક્તિને સમાજની મદદની જરૂર પડે ત્યારે તેને મદદ કરનારા વ્યક્તિ બદનામીના ડરથી મદદ કરતા ખચકાય છે અને સરવાળે નુકશાન સમાજના જરૂરિયાત વાળા વર્ગના ભાગે આવે છે.
જેને ખોટું કરવું નથી કે જેણે ખોટું કર્યું નથી તેને આવી ક્ષણિક બદનામીથી કોઈ ઝાઝો ફેર પડતો નથી હોતો, પરંતુ આવી વ્યક્તિઓ ને પડદા પાછળ રહી બદનામ કરનાર વ્યક્તિઓને થોડો સમય પુરતું પોતે જાણે મોટો મીર માર્યો હોય કે બહુ મોટું કૌભાંડ બહાર પાડ્યું હોય તેવો આંતરિક આનંદ જરૂર મળી શકે છે, આવી વ્યક્તિઓ ને સમાજ કે સમાજના જરૂરિયાતમંદ લોકો પ્રત્યે કોઈ લાગણી કે પ્રેમ હોતો નથી તેમને ફક્ત પોતાની વાહવાહી અને પોતે કઈક છે તેવું બતાવવામાં જ રસ હોય છે અને તેમના રસનો શિકાર બને છે જરૂરિયાતમંદ પરિવારના લોકો.
કોઈ પણ સમાજ હોય આવી જરૂરિયાતમંદ વ્યક્તિ પોતાનું ધાર્યું ના થાય ત્યારે પોતાનું કામ કરનાર વ્યક્તિને જયારે બદનામ કરવા પર ઉતરી આવે ત્યારે સમાજના જાગૃત લોકોની એ નૈતિક ફરજ છે કે આવી વ્યક્તિ કે વ્યક્તિઓનો સામુહિક બહિસ્કાર કરે, જરૂર પડે તેમની સામે કડક પગલા ભરે, કારણ આવી વ્યક્તિઓના કારણે સમાજના લોકોના દિલમાંથી સમાજ પ્રત્યેની લાગણી અને પ્રેમની ભાવના નાશ થાય તે સ્થિતિ સમાજના ભાવી માટે ખૂબ જ ડરામણી અને બિહામણી સાબિત થઇ શકે છે. સમાજને એકસંપ કરતા, સમાજને સંગઠિત કરતા વર્ષો લાગી જાય છે જયારે કેટલાક વ્યક્તિઓની આદત અને તેમની હરકતો સમાજને ખુબ જ ટૂંકા ગાળામાં વેરવિખેર કરી શકે છે તે દરેક સમાજના લોકોએ વિચારવું રહ્યું.
Leave a Reply