ચિંતન શાહની ફરિયાદ દબાવી દેવા માટે સી.આઈ.ડી.ક્રાઈમ અમદાવાદમાં રૂપિયા એક કરોડનો વહીવટ થયો હોવાની ચર્ચા : યુનિટ-૫ પી.આઈ. સંદીપ મોદીનું ભેદી મૌન
વિજીલેન્સ તપાસની ફરિયાદીની માંગ
ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના શાસનમાં કાયદો અને વ્યવસ્થા મૂડીવાદીઓના ગુલામ બની ગયા હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે, ફરિયાદીની સાથે ખુદ પુરાવા પણ બુમો પાડીને કોણ ગુનેગાર છે એ કહી રહ્યા હોય તેવા સંજોગમાં પણ અમદાવાદ સી.આઈ.ડી. ક્રાઈમના ભ્રષ્ટાચારમાં ડૂબેલા અધિકારીઓ જવાબદારોને પકડીને ન્યાય કરવાના બદલે ખાનગીમાં કરોડોનો વ્યક્તિગત લાભ લઇ ‘તપાસ ચાલુ છે’ , વધુ માહિતી મારા અધિકારી ને પૂછ્યા વિના ના આપી શકાય’ જેવા બેજવાબદાર નિવેદનો સરકારના અધિકૃત પત્રકારોને આપી ગેરમાર્ગે દોરી રહ્યા છે જે વર્તમાન સરકાર અને ગુજરાતના ગૃહ વિભાગ માટે શરમજનક કહેવાય. આ સમગ્ર કેસની વિગત એવી છે કે …
તા.૧૪.૭.૨૦૨૧ ના રોજ ચિંતન શાહની માતા જ્યોતિબેન જયંતભાઈ શાહ દ્વારા સી.આઈ.ડી.ક્રાઈમ અમદાવાદ ખાતે તમામ પ્રૂફ પુરાવા સાથે કલર મર્ચન્ટ બેન્કના જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ અરજી કરી ન્યાયની માંગ કરી હતી, જેમાં તા.૫.૩.૨૦૨૨ ના રોજ ચિંતન શાહ, કલર મર્ચન્ટ બેન્કના મેનેજર અતુલ શાહ, જનરલ મેનેજર કિન્નર શાહ, એમ.ડી. અશોક ખન્ના અને અશોક ખન્નાના પુત્ર તથા ભૂતપૂર્વ બોર્ડ ઓફ ડીરેક્ટર અમિત ખન્ના વચ્ચે બેંકમાં ચાલી રહેલી ગેરરીતી બાબતે કોન્ફરન્સ કોલમાં ચર્ચા થઇ હતી જે સમગ્ર વાતચીતનું રેકોર્ડીંગ ચિંતન શાહ દ્વારા સી.આઈ.ડી. ક્રાઈમ યુનિટ-૫ને આપવામાં આવેલ હતું, જે વાતચીત સાંભળનાર કોઈ પણ વ્યક્તિને પહેલી નજરે સ્પષ્ટ ખ્યાલ આવી જાય કે આમાં કોણ કેટલા અંશે જવાબદાર છે અને કોણ કેટલો ગુનેગાર છે, તેમ છતાં આ કેસમાં આજે બે વર્ષે પણ માત્ર નિવેદન લેવા સિવાય સી.આઈ.ડી.ક્રાઈમ દ્વારા કોઈ જ તપાસ કરવામાં આવી નથી.
સી.આઈ.ડી.ક્રાઈમને ફરિયાદીએ આપેલ વાતચીતના રેકોર્ડીંગ નિયમ પ્રમાણે એફ.એસ.એલ.માં મોકલવામાં આવ્યા જેમાં આજદિન સુધી ફક્ત ચિંતન શાહ જ પોતાના વોઈસનું સેમ્પલ આપવા માટે ગયેલ છે, અન્ય ચાર વ્યક્તિઓ આજદિન સુધી સી.આઈ.ડી.ક્રાઈમની વારંવારની નોટીસ છતાં એફ.એસ.એલ.માં ગયેલ નથી, અને મજાની વાત એ છે ક્રાઈમ બ્રાંચ દ્વારા આ બાબતમાં કોઈ ગંભીર પગલા પણ લીધા નથી. આ અંગે આ કેસની તપાસ કરી રહેલા પત્રકારોને આરોપીઓના વર્તુળમાંથી એવી આધારભૂત માહિતી મળી રહી છે કે આ સમગ્ર કેસને દબાવી દેવા માટે અને ભીનું સંકેલી દેવા માટે અમદાવાદ સી.આઈ.ડી. ક્રાઈમ બ્રાન્ચમાં એક કરોડ કરતા વધુ રૂપિયાનો વહીવટ થયો છે. હવે આ રૂપિયા કોણે લીધા છે…? અને તેમાં કોનો કોનો ભાગ છે..? તે એક તપાસનો વિષય છે.
તાજેતરમાં આ અંગે સી.આઈ.ડી. ક્રાઈમમાં પી.આઈ. સંદીપ મોદીનો તેમની કચેરી ખાતે સંપર્ક કરતાં તેઓ આ કેસના તપાસ અધિકારી હોવા છતાં મીડિયાને આ બાબતની કોઈ જ માહિતી આપી શકતા નહોતા, દરેક પ્રશ્નના ઉત્તરમાં તેઓ પોતાના ઉપરી અધિકારી રીના રાઠોડને મળો, તેમને પૂછો જેવા ઉડાઉ જવાબ આપી પ્રશ્નોથી દુર ભાગી રહ્યા હતા. એક જવાબદાર પોલીસ ઇન્સ્પેક્ટર અને તે પણ તપાસ અધિકારી જયારે નાના બાળક જેવા જવાબ આપી મીડિયાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરે ત્યારે જે કરોડોના વહીવટની લોકચર્ચા થઇ રહી છે તે કયાંક ને ક્યાંક સાચી હોવાનું લાગી રહ્યું છે. જયારે અનેક નિર્દોષ લોન લેનાર વ્યક્તિઓના નાણા તેમની જાણ બહાર વપરાઈ ગયા છે, પીડિત પરિવારો પોલીસને ભગવાન માની ન્યાય ઝાંખી રહ્યા હોય તેવા સંજોગમાં જવાબદાર અધિકારીઓ દ્વારા કરવામાં આવેલા ઢાંકપીછોડા અક્ષમ્ય છે જેને કોઈ પણ સંજોગમાં સહન કરી શકાય તેમ નથી.
આ લખાઈ રહ્યું છે ત્યારે ફરિયાદી ચિંતન શાહના માતા તરફથી આ અંગે વિજીલેન્સ કમિશ્નરને તમામ પુરાવા સાથે આ કેસની વિજીલેન્સ તપાસ કરવા માટે વિજીલેન્સ વિભાગ પાસે જવાનું નક્કી કર્યું હોવાની ખબર સામે આવી છે, હવે જોવાનું એ છે કે શું વિજીલેન્સ વિભાગ આની ન્યાયિક તપાસ કરે છે કે પછી ત્યાં પણ વર્ષો સુધી તપાસ તપાસ નામની રમત રમશે.
Leave a Reply