વિશ્વભરમાં વસતા લોહાણા સમાજનું આનાથી વધુ મોટું અપમાન શું હોય ? : ભાજપને વર્ષો સુધી યાદ રહે તેવો પાઠ ભણાવવા યુવાનોની તૈયારી
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતના બંને મુખ્ય રાજકીય પક્ષોએ લોહાણા સમાજના રાજકીય અગ્રણીઓની સદંતર અવગણના કરી રાજકીય રીતે લોહાણા સમાજના ગાલ પર થપ્પડ મારવાની કોશિશ કરી છે. એક તરફ સામાજિક આગેવાનોના પગમાં આળોટતી રાજકીય પાર્ટીઓ તેમના કહેવાથી ટીકીટો આપે, તેમના કહેવાથી મંત્રી બનાવી અરે ખુદ મુખ્ય મંત્રી કોણ બનશે તે કેટલાક ચોક્કસ સમાજના સામાજિક આગેવાનો નક્કી કરે તેની સામે લોહાણા સમાજની ૧૧૫ કરતા વધુ વર્ષ જૂની, લોહાણા સમાજની માતૃ સંસ્થા તરીકે ઓળખાતી શ્રી લોહાણા મહાપરીષદના વરિષ્ઠ ઉપપ્રમુખ અને જામનગરના અગ્રણી ઉદ્યોગપતિ શ્રી જીતુભાઈ લાલની ટીકીટ છેક છેલ્લી ઘડીએ ભારતીય જનતા પક્ષે કાપી નાંખી છે.
સતત છ ટર્મથી ભુજથી ચૂંટાતા નીમાબેન આચાર્ય કોંગેસ છોડી ભારતીય જનતા પક્ષમાં સામેલ થયા હતા, પક્ષને આજેપણ તેઓ વફાદાર છે તેમ છતાં તેમની ટીકીટ કાપી નાંખવામાં આવી છે, રાજકોટમાં શહેર ભાજપના અગ્રણી કમલેશભાઈ મીરાણીનું નામ ભારતીય જનતા પક્ષમાં અને ગોપાલભાઈ અનડકટનું નામ કોંગેસ પક્ષમાં ઉમેદવાર તરીકે ચર્ચામાં રહ્યા બાદ બંને રાજકીય પક્ષોએ લોહાણા સમાજના બંને હોનહાર અગ્રણીઓની ટીકીટ કાપી નાખી છે. તેવી જ રીતે જુનાગઢ બેઠક ઉપર પણ નોંધપાત્ર વસ્તી હોવા છતાં લોહાણા સમાજની સદંતર અવગણના કરવામાં આવી છે, અહી પણ પૂર્વ ધારાસભ્ય મહેન્દ્ર મશરૂ, ડોલર કોટેચા અને ગીરીશ કોટેચા સહીત અનેક નામાંકિત વ્યક્તિઓને અંતિમ સમય સુધી ટીકીટ મળશે તેવું લાગી રહ્યું પરંતુ ચોક્કસ કોઈ એક સમાજના ખોળામાં બેઠેલી રાજકીય પાર્ટીઓએ લોહાણા સમાજની અહી પણ સદંતર અવગણના કરી અન્ય સમાજના વ્યક્તિની ટીકીટ ફાળવી દીધી છે. એક માત્ર વાંકાનેર બેઠકને બાદ કરતા ભારતીય જનતા પક્ષે ગુજરાતની એક પણ સીટ પર લોહાણા ઉમેદવારની પસંદગી નથી કરી તે નક્કર હકીકત છે. અહી જીતુભાઈ સોમાણીને જે ટીકીટ મળી છે તે સમાજને ધ્યાનમાં રાખીને નથી મળી તેમના આક્રમક તેવર જોઇને મળી છે તે પણ એક નક્કર હકીકત છે.
રાજકીય અગ્રણીઓની ઉપેક્ષા થાય તેને કદાચ પ્રતિકુળ સમય અને સંજોગ હશે તેમ માની ને મન મનાવી શકાય પરંતુ લોહાણા સમાજની વિશ્વની સૌથી મોટી, ૧૧૫ કરતા વધુ વર્ષ જૂની અને આખા ભારતના મહાજનોને સમાવતી સંસ્થાના વરિષ્ઠ ઉપપ્રમુખને પણ ટીકીટ આપવાનું કહી ને તેમની ટીકીટ કાપી નાખવામાં આવે તે વિશ્વના લોહાણા સમાજ માટે અત્યંત શરમજનક ઘટના કહી શકાય.
જો આ ચૂંટણીમાં મુખ્ય બંને પક્ષોને પાઠ ભણાવવામાં નહી આવે તો આગામી વર્ષોમાં તાલુકા જીલ્લા લેવલે પણ લોહાણા સમાજના કાર્યકરોની બાદબાકી થવાની શરુ થઇ જશે તે નક્કી અને નિર્વિવાદ છે. લોહાણા સમાજના જ્ઞાતિજનો એ એક સંપ થઇ પોતાના ઉભા રહેલા અપક્ષ ઉમેદવારને તે હારશે કે જીતશે તેની ચિંતા કર્યા વગર સો ટકા વોટીંગ કરી વધુમાં વધુ મત તેમને મળે તે દિશામાં કામ કરવું જોઈએ. હારેલો ઉમેદવાર પણ સન્માનજનક વોટ લઇ આવે તો ભવિષ્યની ચૂંટણીમાં રાજકીય પક્ષો તેની નોંધ જરૂર લેતા હોય છે અને તેને ટીકીટ પણ જરૂર આપતા હોય છે.
આજે લોહાણા સમાજ પાસે પોતાનું અસ્તિત્વ ટકાવવા અને અસ્તિત્વ બચાવવા માટે મરણીયા બનવા સિવાય કોઈ જ રસ્તો બચ્યો નથી, નેતા ગમે તે પક્ષનો હોય અને ગમે તેટલો મોટો હોય પણ જો એ કોઈ સમાજની ઉપેક્ષા કરે છે તો સમાજની નૈતિક ફરજ છે કે એકસંપ થઇ આવા બની બેઠેલા નેતાઓને અને તેની પાર્ટીને યાદ રહે તેવો પાઠ ભણાવે.
લોહાણા મહાપરીષદના પ્રમુખ શ્રી સતીસભાઈ વિઠ્ઠલાણી એ ભારતીય જનતા પક્ષને પત્ર લખી લોહાણા સમાજને યોગ્ય પ્રતિનિધિત્વ મળે તે માટે અપીલ કરી હતી, રઘુવંશી ક્રાંતિ મંચ દ્વારા પણ વારંવાર ભારતીય જનતા પક્ષના નેતાઓનો સંપર્ક કરી પાંચ સીટો માટે માંગણી કરી હતી તેમ છતાં ભારતીય જનતા પક્ષના નેતાઓ દ્વારા ફક્ત સમાજના રાજકીય અગ્રણીઓને જ નહી સમાજની સંસ્થાના જવાબદાર પદાધિકારીઓની પણ અવગણના કરી લોહાણા સમાજના વ્યક્તિઓને ટીકીટ ફાળવી નથી.
૨૦૨૨ ની વિધાનસભાની ચૂંટણી ખુબ મહત્વની અને રસાકસી ભરી ચૂંટણી છે, આવા સમયે એક એક મતની કિંમત અનેક ગણી છે, જો આવા સમયે પ્રત્યેક રઘુવંશી લોહાણાનો દીકરો પોતાના સમાજ સાથે થયેલા અન્યાય સામે મોરચો માંડી ભારતીય જનતા પક્ષ અને કોંગ્રેસ સામે આવી જાય તો બંને રાજકીય પક્ષો આગામી વર્ષોમાં લોહાણા સમાજની બાદબાકી કરતા પહેલા હજાર વાર વિચાર કરશે.
Leave a Reply