હિન્દુત્વના ગઢ ગણાતા ખાડિયામાં હિન્દુત્વના ગૂંગળાઈ રહેલા શ્વાસ : ટીકીટ માટે દોસ્તો બન્યા દુશ્મન ?

હિન્દુત્વના ગઢ ગણાતા ખાડિયામાં હિન્દુત્વના ગૂંગળાઈ રહેલા શ્વાસ : ટીકીટ માટે દોસ્તો બન્યા દુશ્મન ?

Spread the love

 

હિન્દુત્વનો ગઢ ગણાતી ખાડિયા વિધાનસભા વિસ્તારમાં હવે વર્ષો પછી હિન્દુત્વના શ્વાસ ગુંગળાતા હોય તેવી ઘટનાઓ બની રહી છે અને તેવા સમાચાર સામે આવી રહ્યા છે. દિવંગત નેતા શ્રી અશોક ભટ્ટનો અજય ગઢ ગણાતી ખાડિયા બેઠક આજકાલ ભાજપના જ નેતાઓની સત્તા લાલસાના કારણે ચર્ચાનો વિષય બની છે.

ગત ચૂંટણીમાં કોંગ્રેસના ઇમરાન ખેડાવાલા સામે હારી જનાર ભાજપ નેતા ભૂષણ ભટ્ટને ફરીથી ટીકીટ આપતા આ સીટ પર વિવાદનો વંટોળ ઉભો થયો છે. ખાડિયા વિધાનસભા સીટ માટે આમતો ભાજપમાંથી અનેક દાવેદારો ઉભા થયા હતા અને અનેક દાવેદારોએ ટીકીટ માંગી પણ હતી પરંતુ આ બધામાં સૌથી ટોચ ઉપર નામ ખાડિયાના પીઢ અનુભવી, પૂર્વ કોર્પોરેટર મયુર દવેનું નામ ચર્ચામાં ચાલી રહ્યું હતું, ભૂષણ ભટ્ટને ટીકીટ નહી મળે તેવું અનેક સ્થાનિક અગ્રણી આગેવાનો અને કાર્યકરોને લાગી રહ્યું હતું પરંતુ અનેક લોકોના આશ્ચર્ય વચ્ચે ભૂષણ ભટ્ટને ભારતીય જનતા પાર્ટીએ ફરીથી ટીકીટ આપી છે.

શિસ્ત અને નિયમના નામ પર અહી વર્ષો જુના વફાદાર નેતાઓનો ભોગ લેવાયો છે અને એક જ પરિવારને વારંવાર ટીકીટ આપવામાં આવી છે તેવું ખુદ ભાજપના નેતાઓ પોતાનું નામ નહી આપવાની શરતે જણાવી રહ્યા છે, ત્યારે સૌથી મોટો પ્રશ્ન એક છે કે એક તરફ કોંગ્રસના પરિવારવાદનો ડંકાની ચોટ પર વિરોધ કરનાર ભારતીય જનતા પાર્ટી ખાડિયામાં કેમ પોતાના કાટલાં જુદા રાખે છે.

ભૂષણ ભટ્ટને ટીકીટ મળવાનો સીધો અર્થ એ પણ કાઢી શકાય કે વર્ષો સુધી ભારતીય જનતા પક્ષના કોર્પોરેટર રહેલા મયુર દવેની રાજકીય કારકિર્દી પર પૂર્ણ વિરામ મૂકી દેવાયું છે, અને આજ ઘટનાના ને બીજી રીતે જોઈએ તો ભૂષણ ભટ્ટે યનકેન પ્રકારે ટીકીટ મેળવી પોતાના વર્ષો જુના સાથી મયુર દવેનું જાહેર જીવન પૂરું કરી નાખ્યું છે, ભૂષણ ભટ્ટે કદાચ મોટું મન રાખી મયુર દવેને ટીકીટ માટે મદદ કરી હોત તો તેમનું વ્યક્તિત્વ તેમના પિતા અશોક ભટ્ટની સરખામણી કરી શકતું હતું.

આ વખતની ચૂંટણી કોંગેસ ભાજપ અને આપ માટે ખુબ જ મહત્વની ચૂંટણી છે, એક એક મતની કિંમત આ વખત ખુબ મોટી આંકી શકાય તેવી પરીસ્થિત છે ત્યારે ખાડિયામાં ભાજપના વર્ષો જુનો નેતાઓ અને કાર્યકરો છેલ્લી ઘડીએ કોઈ નવા જૂની કરી બે પાંચ હજાર વોટ વિરોધમાં નંખાવે અગર પ્રચારમાં ના નીકળી વોટીંગ ઓછું કરાવે તો એ ભૂષણ ભટ્ટ માટે જીતવું ખુબ અઘરું થઇ પડે તેમ છે અને તે સંજોગોમાં ભૂષણ ભટ્ટ માટે આ અંતિમ ચૂંટણી થઇ શકે છે.

એક તરફ વિકાસની અને હિન્દુત્વની વાતો વચ્ચે ખાડિયા વિસ્તારમાં રહેણાંકના બદલે હવે કોમર્શીયલ વધુ થઇ રહ્યું છે, સારા લોકો હવે અહીની પોળોમાંથી બહાર નીકળી રહ્યા છે, ખાડિયામાં સારી શાળાઓ, અને હોસ્પીટલની અછત આજે ય છે આ બધી બાબતો  આગામી ચૂંટણીમાં રાજકીય પક્ષોને હેરાન કરી શકે છે તેમાં ય ખાસ તો ભાજપની સરકાર હોવાથી ભાજપને વધુ મૂંજવી શકે છે.

આ વખતની ચૂંટણીમાં ખાડિયાના મતદારો કોને વિજય શ્રીના આશીર્વાદ આપે છે અને કોના રાજકીય જીવન પર પૂર્ણ વિરામ મુકાય તે આગામી ૮ ડિસેમ્બરે ખબર પડશે.

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *