અત્યંત ક્રુરતાપૂર્વક લોહાણા સમાજની રાજકીય હત્યા કરતા ભાજપ અને કોંગ્રેસ : ચારેબાજુ આક્રોશનો માહોલ
ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે લગભગ તમામ સીટો માટે તમામ રાજકીય પક્ષો તરફથી ઉમેદવારોની જાહેરાત થઇ ગઈ છે ત્યારે નવાઈ અને આશ્ચર્ય વચ્ચે લોહાણા સમાજની નોંધપાત્ર વસ્તી હોય તેવી વિધાનસભા સીટો ઉપર ભાજપ અને કોંગ્રેસ પક્ષ તરફથી લોહાણા સમાજની સદંતર બાદબાકી કરી નાંખી છે અને આ સાથે જ ૧૯૯૫ થી લોહાણા સમાજની શરુ થયેલી રાજકીય પડતી હવે તેની ચરમસીમા પર પહોંચી ગઈ છે.
ગુજરાત લોહાણા સમાજના યુવાનો અને વડીલોને ભારતીય જનતા પક્ષ વધુ નહીતો ત્રણ થી ચાર સીટો આપશે તેવું લાગતું હતું અને તેવી હૈયાધારણા પણ ભાજપના નેતાઓ દ્વારા લોહાણા સમાજના અગ્રણીઓને આપવામાં આવી હતી પરંતુ ફક્ત અને ફક્ત પાટીદારોની ચાપલુસી કરવાવાળી ભારતીય જનતા પાર્ટીએ માત્ર અને માત્ર એક વાંકાનેર બેઠક પર લોહાણા સમાજના ઉમેદવાર જીતુભાઈ સોમાણીને ટીકીટ આપી, અન્ય તમામ દાવેદારોની પસંદગી પર પૂર્ણ વિરામ મૂકી દીધું છે.
કચ્છમાંથી સતત જીતતા આવતા અને લોકપ્રિય એવા નીમાબેન આચાર્યની પણ આશ્ચર્ય જનક રીતે ટીકીટ કાપી તેમની બાદબાકી કરી નાખવામાં આવી છે. તેવી જ રીતે જુનાગઢ સીટ ઉપર પૂર્વ ધારાસભ્ય મહેન્દ્ર મશરૂ સહીત ડોલર કોટેચા અને ગીરીશ કોટેચાની બાદબાકી કરી આ સીટ પર પાટીદાર સમાજને ભેટ આપી દીધી છે. રાજકોટ-૬૯ બેઠક કે જ્યાં લોહાણા સમાજના મત નોંધપાત્ર છે ત્યાં પણ છેક સુધી કમલેશ મીરાણીનું નામ ચલાવી અંતે દર્શિતા શાહને ટીકીટ આપી દીધે છે, સામે કોંગ્રેસ પક્ષે પણ છેક સુધી ગોપાલ અનડકટનું નામ ચલાવી અંતે પાટીદાર નેતા મનસુખ કાલરીયાને ટીકીટ આપી દીધી છે, જેના વિરોધમાં અનેક સ્થાનિક નેતાઓએ ગઈકાલે રાત્રે રાજીનામાં આપી દીધા છે.
સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, કચ્છ સહીત ગુજરાતના તમામ વિસ્તારમાં લોહાણા સમાજનું રાજકીય રીતે નિકંદન કાઢી નાખવામાં આવ્યું છે. વર્ષોથી ભારતીય જનતા પક્ષને વફાદાર રહેલ લોહાણા સમાજની હાલત આજે અડવાણી કરતા પણ ખરાબ કરી નાંખવામાં આવી છે. લોહાણા સમાજ આજે વિશ્વમાં હસી અને મજાકનો વિષય બનીને રહી ગયો છે.
લોહાણા સમાજ માટે હવે પોતાનું રાજકીય અસ્તિત્વ ટકાવવા માટે ચમત્કાર બતાવ્યા સિવાય કોઈ આરો કે ઓવારો નથી, તાજેતરમાં ભારતીય જનતા પક્ષ અને કોંગ્રેસ પક્ષ દ્વારા જે રીતે લોહાણા સમાજની બાદબાકી કરી નાખી છે તેની સામે નવીસવી આમ આદમી પાર્ટીએ લોહાણા સમાજને તમામ મોરચે માન-સન્માન અને મહત્વ આપ્યું છે, પક્ષમાં સંગઠનનું માળખું હોય કે વિધાનસભાની ટીકીટ હોય લોહાણા સમાજની માનભેર નોંધ લઇ પુરેપુરો ન્યાય કરેલો છે. આપમાં પ્રદેશ પ્રવકતા તરીકે હિમાંશુ ઠક્કરની પસંદગી થયેલ છે, આપની લીગલ ટીમમાં પ્રવણ ઠક્કરની પસંદગી કરેલ છે, પાટણ અને કાંકરેજ વિધાનસભા સીટ માટે લાલેશ ઠક્કર અને મુકેશ ઠક્કરને ટીકીટ આપી તેમને મેદાનમાં ઉતારેલ છે ત્યારે આ સંજોગમાં લોહાણા સમાજ જો અપક્ષ ઉમેદવાર ઉભા કરશે તો તે સીધી કે આડકતરી રીતે ભારતીય જનતા પક્ષને જ ફાયદો થશે અને સમાજના માથે લાખો રૂપિયાનો ખર્ચ આવશે તેના કરતા અત્યારના સંજોગો જોતા મક્કમ અને નીડર બની લોહાણા સમાજની કદર કરનાર આમ આદમી પાર્ટીની વ્હારે લોહાણા સમાજે આવી જવું જોઈએ અને દરેક વિધાનસભા મત વિસ્તારમાં ૧૦૦ % મતદાન આમ આદમી પાર્ટી માટે જ થાય તેવા પુરા પ્રયાસ કરવા જોઈએ.
લોહાણા સમાજના જે વેંતિયા નેતાઓ આ સમયે પોતાના સમાજ કરતા પક્ષ ને વફાદાર રહેવાની ડંફાસ મારતા હોય તેવા નેતાઓની એક યાદી બનાવી ભવિષ્યમાં તેમને તેમના હાલ પર છોડી દેવા જોઈએ અને આજે સમાજના તમામ અગ્રણી આગેવાનોએ, યુવાનોએ, વડીલોએ પોતાની અલગ અલગ વિચારધારાને બાજુમાં રાખી એકસંપ થઇ ભાજપ અને કોંગ્રેસને જીવનભર યાદ રહી જાય તેવો પાઠ ભણાવી દેવો જોઈએ. ૨૦૨૨માં જે નુકશાન થયું છે તેના રોદણા રોવાના બદલે ૨૦૨૭ માં એક સાથે દસ ઉમેદવારને ટીકીટ પણ મળે અને તમામ જીતીને વિધાનસભામાં પહોંચે તેની તૈયારીઓ આ ચૂંટણીથી જ શરુ કરી દેવી જોઈએ.
Leave a Reply