સિદ્ધપુરમાં લોહાણા સમાજના પૈસે માતૃ તર્પણના બદલે લોહાણા સમાજના નાણાનું તર્પણ થઇ ગયું

સિદ્ધપુરમાં લોહાણા સમાજના પૈસે માતૃ તર્પણના બદલે લોહાણા સમાજના નાણાનું તર્પણ થઇ ગયું

Spread the love

લોહાણા સમાજની સર્વોચ્ચ સંસ્થા લોહાણા મહાપરીષદના પૂર્વ પ્રમુખ પ્રવીણ કોટક દ્વારા પોતાના પ્રમુખકાળ દરમ્યાન ઘણા તઘલખી નિર્ણય લેવામાં આવ્યા હતા અને તેમાનો એક નિર્ણય એટલે સિદ્ધપુર ખાતે કરવામાં આવેલ માતૃતર્પણનો કાર્યક્રમ

સમાજમાંથી દાન,ભેટ,ફંડ અને ફાળો ઉઘરાવી ગામના પૈસે પોતાના સગા વ્હાલા અને મળતિયાઓને જલસા કરાવી આખરે અંતે સમાજના પૈસાનું સોલા ખાતે આવેલ ભાગવત વિદ્યાપીઠમાં પૈસાનું પાણી કરી નાખ્યું આમાં જે કઈ પણ નુકશાન છે તે લોહાણા સમાજના ભાગે આવ્યું છે અને ફાયદો બધો જ પ્રવીણ કોટક અને તેમનો પરિવાર લઇ ગયો હોવાનું સામે આવ્યું છે.

આ સમગ્ર કાંડ ભલભલા ભેજાબાજોને વિચારતા કરી મુકે તેવા પ્લીનીંગ સાથે થયું હોય તેવું લાગી રહ્યું છે. પ્રવીણ કોટકના પ્રમુખકાળ દરમ્યાન ઉત્તર ગુજરાતના સિદ્ધપુર ખાતે માતૃતર્પણના નામે સમાજના લોકો પાસેથી ધર્મ શ્રદ્ધા અને આસ્થાના નામે લાખો કરોડો રૂપિયા ઉઘરાવવાનું આ એક કૌભાંડ છે તેવું જે તે સમયે તોફાની તાંડવ દ્વારા વારંવાર પાનેપાનાં ભરીને લખવામાં આવ્યું હતું.

એક પરિવારની વ્યક્તિ દીઠ એટલે કે એક પિતૃ દીઠ રૂપિયા ૧૧,૦૦૦/- લેવાનું નક્કી કરવામાં આવ્યું હતું અને આવા ૧૧,૦૦૦ પરિવારો સુધી પહોંચવાનું લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યું હતું, પરંતુ પ્રવીણ કોટકની આખી ટીમની મહેનત પછી પણ માત્ર ૭૦૦ જેટલા પરિવારો આ માટે પોતાનું નામ નોંધાવ્યું હતું. જેમાં મળેલી માહિતી મુજબ સાચો આંકડો તો ચારસો આસપાસનો જ હતો પરંતુ રહી સહી આબરૂ બચાવવા છેલ્લી ઘડીએ લાગતા વળગતાઓને જે આપવું હોય તે આપજો તેમ કહી બોલાવી લીધા હતા અને તેમ છતાં ૧૧૦૦૦ ના લક્ષ્યાંક સામે માત્ર ૭૦૦ પરિવારો એ નામ નોંધાવ્યા હતા.

સિદ્ધપુર ખાતે યોજેલ આ પ્રસંગમાં પ્રવીણ કોટક અને તેમના પરિવારજનો અને તેમના મળતિયાઓ માટે જમવાથી થી બેસવા સુધીમાં દરેક સ્થાને વી.વી.આઈ.પી. વ્યવસ્થા અલગ રીતે કરવામાં આવેલ હતી. એક તરફ સમાજ પાસેથી દાન,ભેટ,ફંડ,ફાળો ઉઘરાવવો અને બીજી તરફ પોતાના પ્રસંગમાં પોતે જ વી.વી.આઈ.પી.બની જવાની ઘટનાની જે તે સમયે સમાજના અનેક લોકોએ ટીકા કરી હતી.

આ માતૃતર્પણમાંથી થયેલી આવક એટલે કે થયેલો નફો સોલા ભાગવત વિદ્યાપીઠ ખાતે લોહાણા મહાપરીષદની સંલગ્ન સંસ્થા રઘુવંશી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા એક કરાર (ભૂતિયો) કરી એક જૂની ઈમારતનું નવીનીકરણ કરી ત્રીસ વર્ષ સુધી લોહાણા સમાજ તેનો ઉપયોગ કરી શકે તે માટે વાપરવાનું નક્કી કરેલ હતું. આ કરાર પણ સમાજની આંખમાં ધૂળ નાખવા સમાન હતો.

ગુજરાત સરકારના પૂર્વ મુખ્ય સચિવ અને પ્રવીણ કોટકના મિત્ર એવા પી.કે.લહેરી સોલા ભાગવત વિદ્યાપીઠમાં ટ્રસ્ટી તરીકે છે, તેમની સાથે સાંઠગાંઠ કરી પ્રવીણ કોટકે રઘુવંશી ચેરીટેબલ ટ્રસ્ટને સાવ અંધારામાં રાખી, તેના કોઈ ટ્રસ્ટીને વિશ્વાસમાં લીધા સિવાય અને પોતે રઘુવંશી ચેરીટેબલ ટ્રસ્ટમાં કોઈ પદ કે હોદ્દા પર ના હોવા છતાં રઘુવંશી ચેરીટેબલ ટ્રસ્ટ અને સોલા ભાગવત વચ્ચે ફક્ત ત્રણસો રૂપિયાના સાદા સ્ટેમ્પ પેપર ઉપર આ કરાર કરવામાં આવ્યો હતો, આ કરાર કોઈ પણ જગ્યા એ રજીસ્ટર કે નોટરી કરવામાં આવેલ નથી. મુખ્ય અને મજાની વાત એ છે કે આ બાજુમાં રઘુવંશી ચેરીટેબલ ટ્રસ્ટને અંધારામાં રાખી તે ના વતી ત્રણ વ્યક્તિઓએ કરારમાં સહી કરી હતી, જેમાં પ્રમુખ તરીકે પ્રવીણ કોટક, મંત્રી હિમાંશુ ઠક્કર અને ખજાનચી હિંમતભાઈ કોટકે સહી કરી હતી, સામા પક્ષે પી.કે.લહેરી એ સોલા ભાગવત ટ્રસ્ટ વતી સહી કરી હતી. જેમાં હમણાં મળેલા આધારભૂત પુરાવા મુજબ સોલા ભાગવત વિદ્યાપીઠના મુખ્ય કર્તાહર્તા અને મેનેજીંગ ટ્રસ્ટી ભાગવત ઋષીએ આપેલા લેખિત નિવેદન મુજબ તેઓ આ કરારથી બિલકુલ અજાણ હતા.

જો સોલા ભાગવતના મુખ્ય ટ્રસ્ટી જ આ કરારથી અજાણ હોય તો પ્રવીણ કોટક અને લોહાણા મહાપરીષદ સાથે જોડાયેલા તમામ વ્યક્તિઓ માટે આ ઘટના અંત્યત શરમજનક કહેવાય.

સોલા ભાગવત વિદ્યાપીઠમાં નવીનીકરણ કરવાના નામ પર ચાર કરોડથી વધુ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે, અને હવે એ હાલત છે કે આટલો ખર્ચો કર્યા પછી લોહાણા સમાજનો ત્યાં કોઈ હક્ક કે હિસ્સો રહેતો નથી.

સૌથી ગંભીર બાબત એ છે કે સોલા ભાગવત વિદ્યાપીઠમાં નવીનીકરણ કરવા માટે કોઈ જાતના ટેન્ડર મંગાવવા માં આવેલ નથી પ્રવીણ કોટકે પોતાના પદ અને સત્તાનો દુરુપયોગ કરી પોતાના સાળાને આખો કોન્ટ્રાકટ આપી દીધો હતો, જેની સામે તત્કાલીન તમામ ટ્રસ્ટીઓ, ગવર્નર, વાઈસ ગવર્નર અને તમમ હોદ્દેદારો ચુપ રહ્યા હતા અથવા તેમને અંધારામાં રાખવામાં આવ્યા હતા.

આ માત્ર નાણાકીય નુકશાનની વાત નથી આ એક ગંભીર ગુનાઈત કાવતરું છે, પદ, હોદ્દો કે પરમીશન વગર સમાજની એક સંસ્થાના નામે પ્રવીણ કોટકે કરાર કર્યો , તે કરાર પણ જાણી જોઈ ને મુખ્ય વ્યક્તિ સાથે કરવાને બદલે પોતાના મળતિયા સાથે કર્યો, અને સૌથી મોટી આટલું જાણવા છતાં સમાજની અન્ય સંસ્થા ખીમજી ભગવાન ટ્રસ્ટ પાસે માતબર કહી શકાય તેવું એક કરોડ કરતા વધુ રકમનું દાન લઇ તે દાનની રકમ પણ સંપૂર્ણ રીતે વેડફી નાખી.

પ્રવીણ કોટક ભલે તેમના અંગત જીવનમાં મોટા બિલ્ડર હોય કે સમાજના અગ્રણી હોય સમાજના પ્રમુખ તરીકે તેમણે જે કર્યું છે તે ગંભીર ગુનાઈત કૃત્ય છે અને તે બદલ તેમણે સમાજને થયેલ સંપૂર્ણ નુકશાનની રકમ ભરપાઈ કરી દેવી જોઈએ.

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *