લોહાણા સમાજની રાજકીય દુર્દશા માટે પૂર્વ પ્રમુખ પ્રવીણ કોટકની ચાપલૂસ નીતિ જવાબદાર : અંગત સ્વાર્થ માટે સમાજની ગરિમા ગીરો મુકાઈ
તાજેતરમાં ગુજરાત વિધાનસભાની જાહેર થયેલી યાદીમાં આશ્ચર્ય જનક રીતે લોહાણા સમાજના રાજકીય કાર્યકરો સાથે મુખ્ય બંને રાજકીય પક્ષોએ ભારોભાર અન્ય કર્યો છે, એમ સમજો કે મુખ્ય રાજકીય પક્ષોએ ગુજરાતના લોહાણા સમાજની લાગણીની ક્યાંય નોંધ સુદ્ધા લીધી નથી. ભારતીય જનતા પક્ષે જે એક ટીકીટ ફાળવી છે તે વાંકાનેર બેઠક પર જીતેન્દ્ર સોમાણી રાજકીય રીતે મજબૂત સ્થાન ધરાવે છે અને ગત ચૂંટણીમાં તેઓ માત્ર ૧૩૫૦ જેટલા ઓછા માર્જીનથી આ સીટ ઉપર હાર્યા હતા. જો તેમના બદલે અન્ય ઉમેદવારને ઉતારવામાં આવે તો ભાજપને હારવાનું જોખમ વધી જાય તેમ હતું તેથી મનેકમને પણ જીતેન્દ્ર સોમાણીને ટીકીટ આપવી પડી છે.
લોહાણા સમાજની વધુ વસ્તી છે તેવી બેઠકોમાં જુનાગઢ, રાજકોટ-૬૯, વાંકાનેર, ભુજ, જામનગર, પોરબંદર, રાધનપુર જેવી બઠકો પર ભાજપ અને કોંગેસ બંને પક્ષોએ સદંતર લોહાણા સમાજની અવગણના કરી અન્ય સમાજના લોકોને ટીકીટ ફાળવી દીધી છે જેની સામે આજે ગુજરાતનો પ્રત્યેક લોહાણા જ્ઞાતિજન હતાશ, નિરાશ અને ક્રોધિત છે.
જો અતીતમાં ડોકિયું કરવામાં આવે તો ૧૯૯૦ થી ૧૯૯૫ ની ચીમનભાઈ પટેલની સરકારમાં દસ જેટલા લોહાણા ધારાસભ્ય તરીકે ચૂંટાતા હતા, જેમાંથી ત્રણ કેબીનેટ મંત્રી હતા અને એક વિધાનસભાના સ્પીકર હતા. આમ લોહાણા સમાજનો રાજકીય રીતે વટ હતો અને દબદબો હતો.
પરંતુ ૧૯૯૫ બાદ ભારતીય જનતા પક્ષ સત્તામાં આવતા જ લોહાણા સમાજના વ્યક્તિઓને તાલુકા, જીલ્લા લેવલ સુધી સીમિત કરી નાખવામાં આવ્યા છે, માંડ એક બે રાજકીય અગ્રણીઓને પ્રદેશ કક્ષાએ સંગઠનમાં સ્થાન આપ્યું છે તે પણ શોભાના ગાંઠિયા જેવું, સામે કોંગ્રેસ પક્ષમાં પણ અનેક વફાદાર કહી શકાય તેવા લોહાણા અગ્રણીઓ હોવા છતાં એક બે ટીકીટ આપવાનું પણ તેણે પસંદ કર્યું નથી.
આ બધાની વચ્ચે અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીએ ચૂંટણી અગાઉ જ લોહાણા અગ્રણી હિમાંશુ ઠક્કરને ગુજરાત પ્રદેશના પ્રવક્તા બનાવ્યા છે, પ્રણવ ઠક્કરને લીગલ વિભાગમાં માનભર્યું સ્થાન આપ્યું છે અને આ લખાઈ રહ્યું છે ત્યારે ગુજરાત વિધાનસભામાં ત્રણ જેટલા ઉમેદવારોને ટીકીટ આપી છે.
હવે મૂળ વાત પર આવીએ તો ૧૯૯૫ પછી સતત લોહાણા સમાજની રાજકીય બાદબાકી થવાની શરુ થઇ છે જેના પાયામાં પૂર્વ પ્રમુખ પ્રવીણ કોટકની ભાજપ પ્રત્યેની ચાપલૂસ નીતિ સીધી રીતે જવાબદાર છે. પ્રવીણ કોટક લોહાણા મહાપરીષદના પ્રમુખ બન્યા બાદ લોહાણા સમાજના અનેક પ્રસંગોમાં ભાજપના ટોચના નેતાઓને મંચ પર બોલાવી તેમણે બતાવી દીધું છે આ આખો ગુજરાતનો લોહાણા સમાજ મારા ખિસ્સામાં છે, અને સામે લોહાણા સમાજ આજે પણ ભાજપને પોતાની પાર્ટી માનતો રહ્યો છે, પ્રવીણ કોટક પોતાના ધંધાકીય લાભ માટે કે પોતાના કારસ્તાન ઢાંકવા માટે હરહંમેશ ભાજપથી દબાયેલા રહ્યા છે તે એક નગ્ન હકીકત રહી છે.
પ્રવીણ કોટક જયારે પ્રમુખ હતા ત્યારે લોકસભા, રાજ્યસભા અને વિધાસભાની ચૂંટણી ટાણે સમાજની વ્યક્તિઓને પ્રમોટ કરવાના બદલે પોતાના માટે ટીકીટની ભીખ માંગવા ભાજપના નેતાઓ પાસે પહોંચી જતા અને દરેક વખતે તેમને અપમાનિત કરી કાઢી મુકવામાં આવતા તેમ છતાં તેમની ભાજપ ભક્તિમાં ક્યારેય ઓટ કે ખોટ ના આવી અને તેનું ભયંકર પરિણામ આજે લોહાણા સમાજ ભોગવી રહ્યો છે.
ગુજરાતમાં કોઈ નવો મુખ્યમંત્રી બને કે મંત્રી બને એટલે તરત પ્રવીણ કોટકની કંપની તેમને અભિનંદન આપતા મોટા મોટા બેનર જાહેર રોડ પર મારી દેતા, લોહાણા મહાપરીષદના લેટરહેડ ઉપર પણ તેમની ચમચાગીરી અને ચાપલુસી કરવામાં આવતી જેને કારણે આજે લોહાણા સમાજની આબરૂ કોડીની થઇ ગઈ છે, કારણ સત્તામાં બેઠેલા ભાજપના તમામ નેતાઓ પ્રવીણ કોટકના કાંડ અને કૌભાંડ વિષે સારી રીતે માહિતગાર હતા, અને જ્યારે જયારે ચૂંટણી આવે ત્યારે પ્રવીણ કોટકને જુના કાંડ યાદ અપાવી ચુપ કરી દેતા જેના કારણે પ્રવીણ કોટકને તો ટીકીટ ના મળી પણ લોહાણા સમાજના અન્ય શક્તિશાળી વ્યક્તિઓને પણ ટીકીટ ના મળી.
જૂનાગઢમાં અપક્ષમાં ઉભા રહીને ચૂંટણી જીતી જનાર મહેન્દ્ર મશરૂ ને હરાવવામાં પણ જે તે વખતના લોહાણા મહાપરીષદના હોદ્દેદારોનો હાથ હતો તેવું અનેક લોકો કહી રહ્યા છે, નીમાબેન આચાર્ય સીનીયર હોવા છતાં તેમને હંમેશા મંત્રીપદથી દુર રાખવામાં આવ્યા હતા, પોરબંદરમાં પૂર્વ ઉદ્યોગ મંત્રી સ્વ.શશીકાંત લાખાણીના પુત્ર ભાવેશ લખાણી કોંગ્રેસમાં પ્રદેશ કક્ષાના હોદ્દેદાર હતા આજે ભાજપના ગયા બાદ કયાંક તેમની નોંધ લેવામાં આવતી નથી. ઉત્તર ગુજરાતમાં પણ અગાઉ લોહાણા રાજકીય અગ્રણીઓ ફરસુભાઈ ગોક્લાણી, ચંદુભાઈ તેજારામ ઠક્કર જેવા અનેક શક્તિશાળી રાજકીય વ્યક્તિઓ સાથે અન્યાય થયો છે અને ખરેખર જે મંત્રી મંડળમાં શોભે તેવા વ્યક્તિઓની રાજીકીય કારકિર્દી અકાળે પૂરી થઇ ગઈ છે.
લોહાણા મહાપરીષદના વર્તમાન પ્રમુખ સતીસ વિઠ્ઠલાણીએ આજદિન સુધી જે થયું છે તેને નજર સામે રાખી નવી રણનીતિ સાથે નવી ટીમ બનાવી રાજકીય વ્યક્તિઓને યોગ્ય માર્ગદર્શન અને જરૂર પડ્યે ત્યારે એક અવાજ પર સમાજનું સમર્થન મળે તે દિશામાં કામ કરવું જોઈએ, અન્યથા પ્રવીણ કોટકે કરેલી ભૂલોની સમાજ આગામી વર્ષો સુધી લોહાણા સમાજ ભોગવતો રહેશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.
Leave a Reply