હજારો પ્રમુખો, લાખો ઉપપ્રમુખો અને સેંકડો ટ્રસ્ટીઓ છતાં લોહાણા સમાજની સંસ્થાઓ વિધવા જેવી કેમ છે..? : યુવાપેઢી માટે ચિંતનનો વિષય

હજારો પ્રમુખો, લાખો ઉપપ્રમુખો અને સેંકડો ટ્રસ્ટીઓ છતાં લોહાણા સમાજની સંસ્થાઓ વિધવા જેવી કેમ છે..? : યુવાપેઢી માટે ચિંતનનો વિષય

Spread the love

હજારો પ્રમુખો, લાખો ઉપપ્રમુખો અને સેંકડો ટ્રસ્ટીઓ છતાં લોહાણા સમાજની સંસ્થાઓ વિધવા જેવી કેમ છે..? : યુવાપેઢી માટે ચિંતનનો વિષય

ઇતિહાસના પાના ઉપર જેનો જાજરમાન ભૂતકાળ છે, જે સમાજે વિશ્વને અનેક નામાંકિત મહાનુભાવો આપ્યા છે, અનેક નેતાઓ, અનેક સામાજિક અગ્રણીઓ અને અગ્રણી ઉદ્યોગપતિઓ આપ્યા છે તે લોહાણા સમાજની હાલત આજે દયનીય કેમ છે..? સામાજિક ક્ષેત્ર હોય, રાજકીય ક્ષેત્ર હોય કે વેપાર હોય સદા અવ્વલ રહેવા વાળા રઘુવંશી લોહાણાઓ સમયની સાથે તાલ મિલાવી આગળ રહેવાને બદલે પાછળ કેમ ધકેલાતા જાય છે..? ખુબ જ ઊંડા ચિંતન અને મનનનો વિષય કરવાનો સમય કદાચ હવે પાકી ગયો છે.

કેટલાક વર્ષો અગાઉ લોહાણા સમાજમાં એક ખુબ જ ખતરનાક ટ્રેન્ડ શરુ થયો હતો અને એ ટ્રેન્ડ હતો નવી સંસ્થાઓ બનાવવાનો તેનું આજે ભયંકર પરિણામ એ મળી રહ્યું છે કે શક્તિશાળી કહેવાતા મહાજનો આજે  મૃતપાય હાલતમાં છે, અને નવી નવી બનેલી સંસ્થાઓની કામ કરવાની એક ચોક્કસ દાયરા પુરતી સીમિત છે, અને તેમાં પણ વ્હાલા દવલા ની નીતિને કારણે, દેખાદેખીને કારણે થોડા જ વર્ષોમાં ગામેગામ અનેક સંસ્થાઓ, અનેક પ્રમુખો, અનેક ઉપપ્રમુખો અને ટ્રસ્ટીઓનું સર્જન થઇ ગયું, યોગ્યતા કે લાયકાત હોય કે ના હોય પોતે જાતે જ સંસ્થા બનાવી પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી, મહામંત્રી, ટ્રસ્ટી જેવા પદ ઉપર મોટે ભાગે બિન અનુભવી વ્યક્તિઓના આવી જવાથી સમાજની જે ગતિ હતી તે પહેલા કરતા અનેક ગણી મંદ પડી ગઈ છે.

આજે લોહાણા સમાજના યુવાનો ગમે તેટલા ભણેલા ગણેલા હોંશિયાર હોય, લાયક હોય છતાં રાજકીય ક્ષેત્રે તેમને વોર્ડ, તાલુકા કે જીલ્લા લેવલથી આગળ કશું ઉપજતું નથી, કારણ ઉપરના લેવલમાં તેમની વાત સાંભળવા વાળું કોઈ જ હોતું નથી. અને છતાં કેટલાક ડરપોક આગેવાનોને હજી ભવિષ્યમાં પોતાનો વ્યક્તિગત લાભ દેખાતો હોવાથી પોતાના અંગત સ્વાર્થ માટે સમગ્ર સમાજને હોળીનું નાળીયેર બનાવી રહ્યા છે.

રાજકીય ક્ષેત્રમાં સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં અનેક શક્તિશાળી લોહાણા અગ્રણીઓ થઇ ગયા જે પોતાના નામ પર ચૂંટણી જીતીને આવતા હતા થોડો સમય સાથે રાખી હવે સત્તાધારી પક્ષ દ્વારા તે તમામ નેતાઓને આજે ઘરે બેસાડી દેવામાં આવ્યા છે અને છતાં આજનો લોહાણા સમાજ અને તેના આગેવાનો ભેદી મૌન ધારણ કરીને બેઠા છે.

થોડા દિવસ અગાઉ પંચમહાલ જીલ્લાના કાલોલના ભારતીય જનતા પક્ષના ધારાસભ્યએ જાહેર મંચ પરથી લોહાણા સમાજના પ.પૂ. સંત શ્રી જલારામ બાપા વિષે અશોભનીય ટીકા અને ટીપ્પણી કરી હતી, શરમ સાથે કહેવું પડે છે કે એ ધારાસભ્ય સત્તા પક્ષના હતા માટે આખો સમાજ અને સમાજના કહેવાતા શક્તિશાળી નેતાઓએ આ ઘટના સામે નપુંશક મૌન ધારણ કરી લીધું છે. આજ ઘટનાના બે દિવસ બાદ સૌરાષ્ટ્રના એક મંચ પરથી એક વ્યક્તિ દ્વારા ચારણ સમાજની ટીકા કરતા ગણતરીના કલાકોમાં આખા ગુજરાતનો ચારણ સમાજ એક થઇ ગયો અને જે હોબાળો મચ્યો તેને કારણે ચારણ સમાજ વિરુદ્ધ ટીકા કરનાર વ્યક્તિની સામે ગુનો નોંધવામાં આવ્યો અને વ્યક્તિએ સમાજની માફી માંગવી પડી. તો અહી પ્રશ્ન એ થાય છે કે લોહાણા સમાજની શૂરવીરતા ક્યાં ખોવાઈ ગઈ છે..? કેમ પોતાના સમાજના સંતની ટીકા કરનાર વિરુદ્ધ સમાજના અગ્રણી નેતાઓ કશું બોલવા તૈયાર નથી..? જે જલારામ બાપાના નામ પર આખું વરસ સમાજ પાસેથી ઉઘરાણું કરવામાં આવે છે, એક જ ગામ કે એક જ શહેરમાં ઠેર ઠેર જલારામ જયંતી ઉજવી પોતે જલારામ બાપનો મોટા ભક્ત હોય તેવી ઈમેજ ઉભી કરવામાં આવે છે, તો બાપાના અપમાન સામે મૌન કેમ..? આટલો ડર કોનો…?

આજની યુવા પેઢી એ હવે ચિંતન કરવાનો સમય પાકી ગયો છે જો હજી પણ આ દિશામાં વિચારવામાં નહી આવે તો સમાજનું ભવિષ્ય અતિશય દયનીય હશે તેવું આજની સ્થિતિ જોતા લાગી રહ્યું છે.

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *