નવનિર્મિત રાજુલા લોહાણા મહાજનવાડીનો લોકાર્પણ અવસર શાનદાર રીતે સંપન્ન
એન.એમ.રાયચા ફાઉન્ડેશનના શ્રી મહેન્દ્રભાઈ રાઈચા પરિવાર અને ઊર્મિન ફાઉન્ડેશનના શ્રી કૌશિકભાઈ, શ્રી રાજેન્દ્રભાઈ, શ્રી તેજસભાઈ સહીત સમસ્ત મજીઠીયા પરિવારના મુખ્ય દાનથી પોતાના માદરે વતન રજુઅલા ખાતે નવનિર્માણ પામેલ માતૃશ્રી જીવીબેન ચત્રભુજભાઈ રાયચા, માતૃશ્રી ઉર્મિલાબેન નાનુભાઈ મજીઠીયા શ્રી રાજુલા લોહાણા મહાજન વાડીનું લોકાર્પણ લોહાણા સમાજની માતૃસંસ્થા લોહાણા મહાપરીષદના પ્રમુખશ્રી સતીષભાઈ વિઠ્ઠલાણીની અધ્યક્ષતામાં અને જ્ઞાતિશ્રેષ્ઠી શ્રી મહેન્દ્રભાઈ ઘેલાણીના મુખ્ય મહેમાન પદે, રાજુલાના ધારાસભ્યશ્રી અંબરીશ ડેરની વિશેષ ઉપસ્થિતમાં તેમજ મહાપરીષદના માનવંતા હોદ્દેદારશ્રીઓ, અમરેલી જીલ્લાના આજુબાજુ વિસ્તારના સૌ મહાજન શ્રેષ્ઠીઓ,દાતાશ્રીઓ, રાયચા પરિવાર અને મજીઠીયા પરિવારના સૌ પરિવારજનો, સ્નેહીજનો અને આમંત્રિત મહેમાનો તેમજ રાજુલાના રઘુવંશી પરિવારોની ઉપસ્થિતમાં ખુબ જ હર્ષોલ્લાસ ભર્યા વાતાવરણ વચ્ચે સફળતાપૂર્વક તા.૧૫ અને ૧૬ ઓક્ટોબર ૨૦૨૨ દરમ્યાન સંપન્ન થયો.


તા.૧૬ ઓક્ટોબર રવિવારના રોજ નવનિર્મિત વાડીનું સૌ મહાનુભાવોના હસ્તે પૂજ્ય જલારામ બાપાની મહાઆરતીથી શરુ થઇ આરતી બાદ સમારોહની શરૂઆત લોહાણા મહાપરીષદના ધ્વજવંદન ગીતથી થયા બાદ રાજુલા લોહાણા મહાજનની દીકરીઓ અને બહેનોએ ગણેશ વંદના અને સ્વાગત ગીતના નૃત્ય દ્વારા સૌને આવકાર્યા હતા ત્યારબાદ મહાજનવાડીના ઉત્સાહી કાર્યકર શ્રી હાર્દિક લાખાણીએ સૌ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરી આગવી શૈલીમાં સૌને આવકાર આપ્યો હતો, રૂડા અવસર બાદ સમારોહના સંચાલક પ્રોફેસર ચંદ્રકાંત તન્નાએ શ્રી રાજુલા લોહાણા સમાજ અને મહાજનવાડીનો ૧૯૬૬ થી પૂજ્ય જીવીબેન ચત્રભુજભાઈ રાયચા દ્વારા ૭૫ બાય ૫૫ ના પ્લોટના દાનથી લઈને આજની સંપૂર્ણ સુવિદ્યાયુક્ત અદ્યતન મહાજન વાડીના નિર્માણ સુધીનો ઈતિહાસ અને અહેવાલ સુંદર રીતે રજુ કરી જણાવ્યું હતું કે મહેન્દ્રભાઈના માતા-પિતા જીવીબા અને ચત્રભુજભાઈએ વાડી માટે પ્લોટનું દાન કરી ‘ટીપે ટીપે સરોવર ભરાય’ એ ઉક્તિને અમલમાં મૂકી અમદાવાદ,મુંબઈ સહીત અનેક નાના મોટા ગામોમાંથી નાની નાની રકમનું દાન એકઠું કરી આ વાડી બંધાવી હતી. ત્યારબાદ કાળક્રમે વાડીનું મકાન જર્જરિત થતા આજથી ૨૦ વર્ષ પહેલા તેઓના પુત્ર અને મુખ્ય દાતાશ્રી મહેન્દ્રભાઈ રાયચાએ વાડીનું નવું ભવન ના બને ત્યાં સુધી મીઠાઈ ન ખાવાની પ્રતિજ્ઞા લીધી હતી તેમજ તેઓના ભત્રીજા તેજસ રાયચાએ ભાત ના ખાવાની પ્રતિજ્ઞા લીધી હતી. જે આજે ફળીભૂત થઇ છે. આ નવનિર્મિત ભવનના નિર્માણના વિચારથી લઈને તેના લોકાર્પણ સુધીની સફરમાં શ્રી મહેન્દ્રભાઈ રાયચા, શ્રી કૌશિકભાઈ, શ્રી રાજેન્દ્રભાઈ તથા શ્રી તેજસભાઈ ત્રણેય મજીઠીયા પરિવાર બંધુઓ એ મુખ્ય દાતા બની રાજુલા સમાજના તમામ ટ્રસ્ટીઓ અને કાર્યકરોને સાથે રાખી આ ઉમદા કાર્ય કર્યું છે તે ખરેખર સમસ્ત રઘુવંશી સમાજ માટે ઉદાહરણીય અને પ્રેરણાદાયી છે. શ્રી ચંદ્રકાન્તભાઈના પ્રભાવક અહેવાલ બાદ સૌ ઉપસ્થિત મહેમાનો તેમજ દાતાશ્રીઓનું ખેસ અને સન્માન પત્ર દ્વારા જ્ઞાતિ શ્રેષ્ઠીઓ દ્વારા બહુમાન કરવામાં આવ્યું હતું.


દાતા પરિવાર વતી શ્રી મહેન્દ્રભાઈ રાયચા તેમજ કૌશિકભાઈ મજીઠીયાએ પોતાના બહુમાનના પ્રત્યુત્તરમાં જણાવ્યું હતું કે અમારા માદરે વતનમાં અમારી માતૃશ્રીઓની સ્મૃતિમાં અમોને આવી સુંદર સેવા કરવાની તક મળી છે તે અમારા સદભાગ્ય છે. આ તકે તેઓએ રાજુલા મહાજનના સૌ કાર્યકર્તાઓ અને ઉપસ્થિત મહેમાનોનો આભાર માન્યો હતો,આ અવસરમાં પધારેલ રાજુલાના ધારાસભ્ય શ્રીઅંબરીશ ડેરે પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં જ્ઞાતિ સેવા અને જ્ઞાતિહિતના આવા સુંદર અને ઉમદા કાર્ય માટે દાતા પરિવારો અને સમસ્ત રાજુલા લોહાણા સમાજને બિરદાવી ઉત્તરોત્તર વિકાસ અને પ્રગતિ માટે શુભકામનાઓ આપી હતી. મુખ્ય મહેમાન પદેથી શ્રી મહેન્દ્રભાઈ ઘેલાણીએ જણાવ્યું હતું કે વાડીનો ઈતિહાસ અને પરિચય અહેવાલ દ્વારા જાણ્યા બાદ એવો અહેસાસ થાય છે કે, કેટલી નિષ્ઠા અને ઊંડી જ્ઞાતિ ભાવનાથી છેક ૧૯૬૬ થી ૨૦૨૨ સુધીની સફરમાં જ્ઞાતિજનોએ કામ કર્યું હશે કે જેથી આજે આ ઉમદા ભેટ સમાજને મળી છે. આ અવસરે તેમણે સ્વ.નાનુભાઈ મજીઠીયા અને તેઓના દાની સરવાણીને યાદ કરી દાતા પરિવાર તેમજ સૌ જ્ઞાતિજનોને અભિનંદન પાઠવ્યા હતા. પોતાના અધ્યક્ષીય ઉદબોધનમાં લોહાણા મહાપરીષદના પ્રમુખશ્રી સતીષભાઈ વિઠ્ઠલાણીએ જણાવ્યું હતું કે કદાચ રઘુવંશી સમાજનું એક પણ સ્થળ એવું નહિ હોય ક એ જ્યાં જરૂરત પડી હશે ત્યારે શ્રી નાનુભાઈ મજીઠીયાએ દાન ન આપ્યું હોય, આ પ્રસંગે તેઓએ દાતા પરિવાર અને રાજુલા મહાજનને આવી આધુનિક વાડીની સમાજને ભેટ આપવા બદલ બિરદાવી તેનો ૩૬૫ દિવસ જ્ઞાતિ વિકાસ અને ઉત્કર્ષના વિવિધ પ્રકલ્પો જેવા કે મહિલા સશક્તિકરણ, યુવા વિકાસ, ગૃહ ઉદ્યોગ, સ્કીલ ડેવલપમેન્ટ થી થાય તો તેનું નિર્માણ કાર્ય ખરા અર્થમાં સિદ્ધ થશે. આ ઉપરાંત તેમણે મહાપરીષદનો પરિચય આપી તેના કાર્યકાળમાં મહાપરીષદના તમામ પ્રકલ્પોની વિગતે માહિતી આપી છેવાડાના જ્ઞાતિજન સુધી તેનો લાભ પહોંચાડવા ઉપસ્થિત સૌને અપીલ કરી હતી. આ પ્રસંગે શ્રી નૈમિષ રવાણી (સાવરકુંડલા) તેમના ઉદબોધનમાં દાતા પરિવારને બિરદાવી જણાવ્યું હતું કે જો જ્ઞાતિમાં સંગઠન હશે તો કશું જ અશક્ય નથી. આ નવનિર્મિત વાડી તેનું ઉત્તમ ઉદાહરણ છે. ત્યારબાદ માતૃસંસ્થા લોહાણા મહાપરીષદ વતી પ્રમુખશ્રી સતીષભાઈએ દાતાશ્રી મહેન્દ્રભાઈને વાડીનું આ સ્વપ્ન સાકાર થતા ૨૦ વર્ષની પ્રતિજ્ઞા પૂર્ણ કરવા મીઠાઈ ખવડાવી હતી તેમજ શ્રી તેજસભાઈને ભાત ખવડાવી પારણા કરાવ્યા હતા. તેમજ દાતા પરિવારો અને રાજુલા મહાજનના તમામ ટ્રસ્ટીઓનું શાલ તેમજ મહાપરીષદની ફ્રેમ અને બેઝ અર્પણ કરી બહુમાન કર્યું હતું.
આ સમગ્ર અવસરનું સુંદર રીતે સંચાલન પ્રોફેસર ચંદ્રકાંત તન્નાએ કર્યું હતું અને સમારોહ બાદ સૌ સમૂહ ભોજન પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી.
આ અવસરે લોહાણા સમાજ અગ્રણીઓ શ્રી પરેશભાઈ ભુપતાણી, શ્રી યોગેશભાઈ ઉનડકટ, શ્રી પરેશ કારિયા, શ્રી જગદીશભાઈ, શ્રી ભરતભાઈ ઉનડકટ, ડો. ભરત કાનાબાર, શ્રી મુકેશભાઈ નથવાણી (ગુલાબ સિંગતેલ), શ્રી ભગવાનજી ચંદારણા અને અરુણભાઈ ઠક્કરે ઉપસ્થિત રહી સમારોહને ગરિમા બક્ષી હતી.
Leave a Reply