રાજકોટ ભાજપ નેતાઓની તાનાશાહી સામે લાચાર રઘુવંશી ઉમેદવાર : ભયભીત થઇ ભાજપને ટેકો જાહેર કર્યો હોવાની ખબર

રાજકોટ ભાજપ નેતાઓની તાનાશાહી સામે લાચાર રઘુવંશી ઉમેદવાર : ભયભીત થઇ ભાજપને ટેકો જાહેર કર્યો હોવાની ખબર

Spread the love

 

વિશ્વના કહેવાતા સૌથી મોટા લોહાણા મહાજન માટે શરમજનક ઘટના : સમાજ અગ્રણીઓની ભાજપ ભક્તિ સામે આવી

 

કહેવાતી શિસ્તબદ્ધ અને સંસ્કારી ભારતીય જનતા પાર્ટીનું વરવું અને ભયાનક રૂપ ચૂંટણીમાં હાર સામે દેખાતા સામે આવવા લાગ્યું છે, ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ જે હરકત કરી છે તેનાથી વિશ્વની સૌથી મોટી લોકશાહી કહેવાતી ભારતીય લોકશાહી પર એક કાળું કલંક લાગ્યું છે, એક તરફ ૧૫૦+ સીટો જીતવાના ખોખલા દાવા કરનાર ભાજપના નેતાઓ ઉમેદવારી કરનારને હેરાન પરેશાન કરી યેનકેન પ્રકારે ડરાવી ધમકાવી ઉમેદવારી પાછી ખેંચાવી અને પોતાના સમર્થનમાં ઉમેદવારને બેસાડી દેવાનું જે કૃત્ય કરી રહ્યા છે તે આગામી દિવસોમાં મતદાનના દિવસે ભાજપને ભારે પડે તો નવાઈ નહી.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પક્ષ દ્વારા રાજકોટ-૬૯ બેઠક પર લોહાણા સમાજની નોંધપાત્ર વસ્તી હોવા છતાં ટીકીટ ના ફાળવતા લોહાણા સમાજના સેવાભાવી યુવાન મેહુલ નથવાણી દ્વારા અપક્ષ ઉમેદવારી કરવામાં આવી હતી, જેને લોહાણા સમાજના અનેક યુવા સંગઠન અને યુવાનો દ્વારા મજબૂત સમર્થન મળી રહ્યું હતું, મેહુલ નથવાણીને મત મળે તે માટે લોહાણા સમાજના જ કેટલાક યુવાનોએ જલારામ બાપા અને દાદા જશરાજના સોગંધ આપી રાજકોટ લોહાણા સમાજને મેહુલને મત આપવા વિનંતી કરી હતી, જે મેસેજ અનેક મીડિયામાં વાયરલ થતા ભારતીય જનતા પાર્ટીના તાનાશાહ નેતાઓના પેટમાં તેલ રેડાયું હતું,

રાજકોટ શહેરના લોહાણા સમાજના અગ્રણી સાથે પોતાના નામ નહી આપવાની શરતે મળેલી માહિતી મુજબ છેલ્લા ત્રણ ચાર દિવસથી ભાજપના નેતાઓ મેહુલને ઉમેદવારી પરત લેવા માટે દબાણ કરી રહ્યા હતા, ઉમેદવારી પરત લેવાના દિવસ સુધી મેહુલ ડર અને ભય સાથે ભૂર્ગભમાં રહ્યો હતો, ઉમેદવારી પરત લેવાનો દિવસે નીકળી ગયો હોવા છતાં ભાજપ નેતાઓ દ્વારા મેહુલની સાથે રહેનારા મિત્રોને ગર્ભિત ધમકીઓ આપી, ડરાવી, ધમકાવી તેનાથી દુર કરી દીધા હતા, અને આખરે મેહુલને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી યેનકેન પ્રકારે તેને તેની ઈચ્છા વિરુદ્ધ ભાજપ ઉમેદવારના કાર્યલય પર લઇ જઈ ‘હું ભારતીય જનતા પક્ષના ઉમેદવારને સમર્થન કરું છું’ તેવો વિડીઓ રેકોર્ડ કરી લેવામાં આવ્યો હતો, અને ભારતીય જનતા પક્ષનો ખેસ પહેરાવી તેના ફોટા વાયરલ કરી દેવામાં આવ્યા હતા.

આ ઘટના આમ જુઓ તો એક સામાન્ય ઘટના છે, પરંતુ તેનું સાચું મૂલ્યાંકન કરવામાં આવે તો ભારતીય લોકશાહી અને રાજકોટ લોહાણા મહાજનના ગાલ પર એક મજબૂત થપ્પડ સમાન ઘટના ગણી શકાય.

જે મેહુલ નથવાણી ભારતીય જનતા પક્ષે લોહાણા સમાજને કરેલા અન્યાય સામે લડવા માટે ચૂંટણી મેદાનમાં આવ્યો તેજ મેહુલ નથવાણી એ ભારતીય જનતા પક્ષના ઉમેદવારને રાતોરાત સમર્થન આપ્યું તે કોઈ રીતે, કોઈ કાળે દાદાગીરી અને ગુંડાગીરી વિના શકાય ના બની શકે, કઈ હદે એ લોહાણા યુવાન ઉમેદવાર પર પ્રેશર આપવામાં આવ્યું હશે કે જેની સામે લડવા ગયો હતો તેને જ સમર્થન આપી આવ્યો, ખમીરવંતા લોહાણા ગોત્રની વ્યક્તિ આટલી નાલેશી સાથે પીછેહઠ ક્યારેય ના કરે, પણ કરી છે તો કારણ પણ સામાન્ય નહી અસામાન્ય હશે તેવું લાગી રહ્યું છે.

લોહાણા સમાજને ટીકીટ બાબતે અન્યાય થયો તે અન્યાય વ્યક્તિગત નહી સમગ્ર લોહાણા સમાજને થયો હતો, જેમાં વિશ્વનું સૌથી મોટું કહેવાતું રાજકોટ લોહાણા મહાજન પણ આવી જાય, જયારે સમાજની આબરૂ અને પ્રતિષ્ઠા બચાવવા એક લોહાણા યુવક રાજકીય પક્ષોને પાઠ ભણાવવા મેદાનમાં આવે ત્યારે શું રાજકોટ લોહાણા મહાજનની કોઈ નૈતિક ફરજ જ નહોતી…? શું સમાજ ગણ્યા ગાંઠયા બે ચાર લોકોનો ગુલામ બનીને રહી ગયો છે. મળી રહેલી ખબર તો એવી છે કે ખુદ લોહાણા સમાજના અગ્રણી વ્યક્તિઓ એજ મેહુલને ભાજપના સમર્થનમાં જવા માટે મજબૂર કર્યો છે. આગામી વર્ષોમાં હવે રાજકીય પક્ષો લોહાણા સમાજની રાજકોટની કોઈ પણ સંસ્થા કે મહાજનનો જરાય ડર રાખ્યા વગર ટીકીટ કાપી નાંખે તો નવાઈ નહી.

અત્યારે હાલ તો ગુજરાત લોહાણા સમાજના અનેક લોકો આ સમાચારથી સ્તબ્દ્ધ થઇ ગયા છે અને રાજકોટમાં પણ મેહુલ નથવાણી પાસે ભલે યેનકેન પ્રકારે ઉમેદવારી પરત લેવડાવી સમાજ ભારતીય જનતા પક્ષની તાનાશાહી સામે તો નહી જ જુકે અને આવી તાનાશાહી કરનાર લોકોને વોટ નહી જ આપે તેવું લાગી રહ્યું છે.

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *