મજબૂત મનોબળ અને હકારાત્મકતા સાથે ચૂંટણી લડી સમાજને શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડીશું : દિનેશ ઠક્કર
હાલાઇ લોહાણા મહાજન મુંબઈમાં પાંચ ટ્રસ્ટીઓ માટે ચૂંટણીની તારીખ જાહેર થઇ ચુકી છે, આગામી તા.૨૬ માર્ચના રોજ યોજાનાર ચૂંટણીમાં પ્રગતિ પેનલના મહિલા ઉમેદવાર બિન હરીફ વિજેતા જાહેર થયા છે, હવે ચાર ઉમેદવારો ચૂંટણી મેદાનમાં સામે સામે ચૂંટણી લડી રહ્યા છે, જેમાં વર્તમાન ટ્રસ્ટીઓની પ્રગતિ પેનલ સામે ગૌરવ પેનલ ચૂંટણી જંગમાં ઉતરી છે.
ગૌરવ પેનલના ચાર ઉમેદવારો પૈકી એક ઉમેદવાર એવા શ્રી દિનેશભાઈ ઠક્કરે તોફાની તાંડવને આપેલ ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે આ ચૂંટણી સમાજની ચૂંટણી છે એનો અર્થ એ થાય કે ભાઈ ભાઈ વચ્ચેની ચૂંટણી છે, આ ચૂંટણીમાં અમારી ગૌરવ પેનલ સંપૂર્ણ પારદર્શકતા અને હકારાત્મકતા સાથે આ ચૂંટણી લડશે, વર્તમાન ટ્રસ્ટીઓ એ કોઈ ભૂલ કરી હોય તો સમાજના એક જાગૃત નાગરિક તરીકે અમને તે વિષય બાબતે બોલવાનો સંપૂર્ણ હક્ક છે અને તેનો એ અર્થ નથી કે અમે તેમના દુશ્મન છીએ, જો અમે આ ચૂંટણીમાં જીતીને આવીશું તો પણ જયારે જયારે અમારે તેમના અનુભવ કે માર્ગદર્શનની જરૂર પડશે તેઓ અમારા જ છે તેમ માની અમે ચોક્કસ તેમને સન્માનભેર બોલાવીશું, અને જો તેઓ આ ચૂંટણીમાં જીતી જાય તો પણ તેઓ અમારા ભાઈ છે અને અમે આગામી સમયમાં તેમના પ્રત્યેક સમાજલક્ષી કાર્યને સાથ અને સહકાર આપીશું.
શ્રી દિનેશભાઈ ઠક્કર મુંબઈ જેવા શહેરમાં કલા, સાહિત્ય, મીડિયા અને અનેક ક્ષેત્રમાં પોતાનું આગવું નામ અને સ્થાન ધરાવે છે, મુંબઈની અનેક નામાંકિત વ્યક્તિઓ સાથે તેમને નીકટના અને આત્મીયતાના સંબંધો છે તેમની પેનલમાં અનિલભાઈ કક્કડ એક પીઢ અને અનુભવી વ્યક્તિ છે, નીમીશભાઈ ઠક્કર અને મનીષભાઈ ભીમજીયાણી યુવાન અને હોંશિલા કાર્યકરો છે, તેમની પાસે આગામી સમય માટેનું સુંદર આયોજન પણ છે.
મુંબઈ હાલાઇ લોહાણા મહાજનના ચાલીસ હજાર કરતા વધુ મતદારો કોને આગામી સમય માટે સત્તા સોંપે છે તે તો આગામી ૨૬ માર્ચે સાંજે ખબર પડશે. આક્ષેપ પ્રતિઆક્ષેપ વચ્ચે દિનેશભાઈ ઠક્કરનું આ નિવેદન કાબિલ-એ-દાદ છે અને તેમની સમાજ પ્રત્યેની લાગણી વંદનીય છે.
Leave a Reply