દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં પાંચ વિધાનસભા બેઠકોની તાજી સ્થિતિ

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં પાંચ વિધાનસભા બેઠકોની તાજી સ્થિતિ

Spread the love

દિલ્હીની રસપ્રદ લડાઈ

દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં તમામ પક્ષો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે, કેજરીવાલ ત્રીજી વાર જીતી હેટ્રિક કરશે કે દિલ્હી જનતા સત્તા પરિવર્તન કરશે તેની પર આખા દેશની નજર ટકેલી છે, ત્યારે તોફાની તાંડવ દ્વારા પીઢ અનુભવી રાજકીય વિશેષજ્ઞ અશ્વિન વિઠલાણીને દિલ્હીના રાજકીય મેદાનમાં ગ્રાઉન્ડ રીપોર્ટ માટે મેદાનમાં ઉતર્યા છે, જ્યાં તેઓ જનતાનો સ્પષ્ટ અને સાચો અભિપ્રાય લઇ પોતાના અનુભવના આધાર પર આંકલન કરી જનતાને તાજી સ્થિતિથી વાકેફ કરશે. અગાઉ આપણે નવી દિલ્હી વિધાનસભા બેઠકની તાજી સ્થિતિ વિષે જાણ્યું હતું આજે આપણે અન્ય બેઠકોની તાજી સ્થિતિનો ચિતાર મેળવીશું.

જંગપુરા વિધાનસભા બેઠક :

ભાજપના ઉમેદવાર તરવિંદરસિંહ મારવાહ  કોંગ્રેસ માંથી આ સીટ ઉપર ત્રણ વખત ચૂંટાયેલા છે. અને કોંગ્રેસના ઉમેદવાર ફરહાદ સૂરી દિલ્હીના પૂર્વ મેયર છે…આમ આદમી પાર્ટીના ઉમેદવાર અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સીસોદીયા પટપડગંજની સીટ ઉપર જોખમ દેખાતા આ સીટ ઉપર ચૂંટણી લડેછે. આ સીટ ઉપર મુસ્લિમ મતદારો બહોળી સંખ્યામાં છે, અને ફરહાદ સુરી મુસ્લિમોમાં ખુબજ લોકપ્રિય પણ છે…માટે આ સીટ ઉપર ત્રિકોણીયો જંગ છે.

મનીષ સીસોદીયા અહીંયા પણ ફસાયા છે અહીંથી જીતવું તેમના માટે લોઢાના ચણા ચાવવા જેટલું અઘરું છે, અત્યારે લોક ચર્ચા મુજબ મુખ્ય સ્પર્ધા ભાજપ અને કોંગ્રેસ વચ્ચે થશે એવું લાગે છે, મનીષ સિસોદિયા કદાચ વધુ જોર મારે તો બીજા નંબરે રહી શકે બાકી જીતવું ખુબ અઘરું છે.

 બલ્લીમારાન વિધાનસભા બેઠક :

આ સીટ મુસ્લિમ બહુમતી વાળી સીટ છે, કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ વિધાયક હારૂન યુસુફ, અને આમ આદમી પાર્ટીના સીટીંગ વિધાયક ઇમરાન હુસેન વચ્ચે ફાઇટ ભારતીય જનતા પાર્ટી તરફથી કમલ બાગડી અહી પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. પરંતુ મુખ્ય સ્પર્ધા અહી કોંગેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે થશે જોવાનું એ રહેશે કે ભાજપના ઉમેદવાર કોના વોટ બગાડે છે અને કોને તેમના તૂટેલા વોટથી ફાયદો થાય છે. ભાજપ અહી ત્રીજા નંબરે રહેશે તે નક્કી છે.

નરેલા વિધાનસભા બેઠક :

આ સીટ બાહરી દિલ્હીની  એટલે કે ગ્રામીણ વિસ્તારો પણ સામેલ હોય તેવી સીટ છે.

આ સીટ ઉપર આમ આદમી પાર્ટીના શરદ ચૌહાણ અને ભાજપના ઉમેદવાર રાજકરણ ખત્રી વચ્ચે સીધી લડાઈ છે કોંગ્રેસના ઉમેદવાર અરૂણાને જોઈએ તેવી સફળતા મળે તેવા હાલમાં કોઈ સંજોગ દેખાતા નથી.ભાજપે પોતાના લોકપ્રિય નેતા નીલદમન ખત્રીની ટિકિટ કાપીને, રાજકરણ ખત્રી ને ટિકિટ આપી હોવાથી ભાજપને નુકસાન થવાની સંભાવના છે. નવા ગણિત, નવા સમીકરણથી કોને વધુ ફાયદો થાય છે તે તો ઈવીએમ ખુલશે ત્યારે જ ખબર પડશે. પરંતુ મુખ્ય સ્પર્ધા અહી ભાજપ અને આપ વચ્ચે થશે એ નક્કી છે.

કરાવલ નગર વિધાનસભા બેઠક :

કરાવલ નગર બેઠક પર ૨૦૧૫ સિવાય દરેક વખતે ભાજપે જીતેલી બેઠક ગણાય છે. ૨૦૧૫માં હાલના ભાજપના ઉમેદવાર કપિલ મિશ્રા કરાવલ નગરથી આમ આદમી પાર્ટીની ટિકિટ ઉપર આ સીટ ઉપર જીતેલા, પણ તેમની કુમાર વિશ્વાસ સાથેની નિકટતાને કારણે કેજરીવાલે તેમને આમ આદમી પાર્ટીમાંથી રૂખસદ આપેલી. આ વખતે ભાજપે પોતાના સીટીંગ વિધાયક મોહનસિંગ બિસ્તને મુસ્તફાબાદથી ટિકિટ આપીને, કપિલ મિશ્રાને કરાવલ નગરથી ટિકિટ આપી છે.

મુખ્યત્વે ફાઇટ ભાજપના કપિલ મિશ્રા અને આમ આદમી પાર્ટી ના મનોજ ત્યાગી વચ્ચે છે, કોંગ્રેસના ઉમેદવાર ડોક્ટર પી.કે. મિશ્રા સ્વચ્છ પ્રતિભા ધરાવતા ઉમેદવાર છે. બેઉ મુખ્યત્વે આમ આદમી પાર્ટીના જ ઉમેદવાર હોવાથી કોંગ્રેસ અહી કેટલું જોર મારે છે એ જોવાનું રહેશે. હાલના સંજોગો જોતા કપિલ મિશ્રા માટે આ બેઠક જીતવામાં કોઈ તકલીફ હોય તેવું લાગતું નથી.

કાલકાજી વિધાનસભા બેઠક :

દિલ્હીના વર્તમાન મુખ્યમંત્રી આતિષી મારલેનાની સીટ છે કાલકાજી.દિલ્હી ફરવા ગયા હોય તો લોટસ ટેમ્પલ અને કાળકા માતાના મંદિરે ગયા હશો, એ બન્ને કાલકાજી વિધાનસભા વિસ્તારમાં આવેલા છે.

આ સીટ ઉપર આમ આદમી પાર્ટીના ઉમેદવાર આતિષીની સામે ભાજપ તરફથી પૂર્વ સાંસદ રમેશ બીધુડી, અને કોંગ્રેસ તરફથી પૂર્વ વિધાયક અને કોંગ્રેસ મહિલા મોરચાના પ્રમુખ અલકા લાંબા ચૂંટણી લડે છે. લડાઈ કાંટાના ટક્કર જેવી છે પરંતુ આતિશી ચાલુ મુખ્યમંત્રી હોઈ અને પ્રજાકીય કામો કરેલા હોઈ બહુ તકલીફ પડે તેવું લાગતું નથી, પરંતુ રમેશ બીધુડી પણ અઠંગ રાજકીય ખેલાડી છે, કાલકાજી વિધાનસભા પણ તેમના સંસદીય મતવિસ્તારમાં જ આવે, એટલે તેઓ આ વિસ્તાર સાથે ખુબજ જોડાયેલા છે અને તેઓ ચુનાવી મેનેજમેન્ટમાં પણ પારંગત છે સાથે કોંગ્રેસના અલકા લાંબા પણ મજબૂત ઉમેદવાર છે તેઓ સારા વક્તા પણ છે અને પૂર્વ વિધાયક પણ છે. એટલે અહી અત્યારે આ બેઠક પર હાલના તબક્કે કશું ચોક્કસ કહી શકાય નહી. હા, આતિશી અન્ય ઉમેદવારો કરતા આજે મજબૂત સ્થિતિમાં છે.

મુસ્તફાબાદ વિધાનસભા બેઠક :

કરાવલ નગર અને મુસ્તફાબાદ બન્ને સીટ એકદમ અડી અડીને આવેલી છે વચ્ચે ખાલી એક રોડ જ છે.મોહનસિંહ બિસ્ત કરાવલ નગરથી ભાજપના સીટીંગ વિધાયક છે, પણ ભાજપે તેમની સીટ બદલીને બાજુની અઘરી સીટ મુસ્તફાબાદ ઉપર ટિકિટ આપી છે…કરાવલ નગરથી બિસ્ત ચોક્કસ જીતી જાત.આ સીટ મુસ્લિમ મતદારોના પ્રભુત્વવાળી સીટ છે, આમ આદમી પાર્ટી તરફથી આદિલ એહમદ લડે છે, કોંગ્રેસના અલી મેહદી લડે છે, અને ઓવેસીની પાર્ટી AIMIM માંથી ૨૦૨૦ના રમખાણોનો આરોપી તાહિર હુસેન લડેછે.

મુખ્ય સ્પર્ધા આમ આદમી પાર્ટી, ભાજપ અને કોંગ્રેસ વચ્ચે છે, અને તેમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારની સ્થિતિ આજની તારીખમાં મજબૂત માનવામાં આવી રહી છે. ઓવેસીની પાર્ટીના ઉમેદવારને અહી ખાસ કોઈ મત મળે એવું લાગતું નથી.

માહિતી સ્ત્રોત : અશ્વિન વિઠ્ઠલાણી (તોફાની તાંડવ ન્યુઝ)

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *