આક્ષેપ પ્રતિઆક્ષેપ વચ્ચે રવિવારે મુંબઈ હાલાઇ લોહાણા મહાજનની ચૂંટણી યોજાશે

આક્ષેપ પ્રતિઆક્ષેપ વચ્ચે રવિવારે મુંબઈ હાલાઇ લોહાણા મહાજનની ચૂંટણી યોજાશે

Spread the love

આક્ષેપ પ્રતિઆક્ષેપ વચ્ચે રવિવારે મુંબઈ હાલાઇ લોહાણા મહાજનની ચૂંટણી યોજાશે

મહાનગર મુંબઈમાં વસતા હાલાઇ લોહાણાઓનું પોતાનું મહાજન એટલે હાલાઇ લોહાણા મહાજન, આ મહાજનની સ્થાપના વર્ષો અગાઉ થઇ હોવાથી પીઢ,અનુભવી અને ઠરેલ મહાજન કહી શકાય, સાથે સાથે મુંબઈ હાલાઇ લોહાણા મહાજન સમૃદ્ધ મહાજન પણ છે, આવા મહાજનમાં પાંચ ટ્રસ્ટીઓ માટેની ચૂંટણી માટે આગામી રવિવારે તા.૨૬.૦૩.૨૦૨૩ ના રોજ મુંબઈ ખાતે અલગ અલગ સ્થાન પર અગિયાર જેટલા બુથમાં મતદાન યોજાશે.

અત્યારે હાલમાં કાર્યરત વર્તમાન ટ્રસ્ટીઓએ તેમની પેનલને પ્રગતિ પેનલ નામ આપ્યું છે, સામે પક્ષે ગૌરવ પેનલ ચૂંટણી લડી રહી છે, પ્રગતિ પેનલના એક મહિલા ઉમેદવાર સામે અન્ય કોઈ ફોર્મ ના ભરતા તેઓ અગાઉ જ બિનહરીફ વિજેતા જાહેર થઇ ચુક્યા છે. ગૌરવ પેનલના પ્રણેતા, પીઢ અનુભવી એવા અનિલભાઈ કક્કડ અને મનીષભાઈ ભીમજીયાણીએ ચૂંટણીના ગણતરીના દિવસો પહેલા જ પોતાની ઉમેદવારી પરત લેવા માટે લેખિત પત્ર ચૂંટણી અધિકારીને મોકલી તેઓ ચૂંટણી જંગમાંથી ખસી ગયા છે.

ચૂંટણી જંગમાં આવતા અગાઉ અને ઉમેદવારી પરત લીધા બાદ તેમનો સતત એ આક્ષેપ છે કે અમને મતદારોની જે યાદી આપેલ છે તે યાદી ૨૦૧૩માં તૈયાર થયેલી છે, સામે પક્ષે પ્રગતિ પેનલનો જવાબ છે કે જે યાદી અમે ગૌરવ પેનલને આપી છે તે જ યાદી અમારી પાસે છે અને તેજ યાદી પ્રમાણે અમે પ્રચાર પ્રસાર કરવાના છીએ. હવે જો આ વાતમાં ઊંડા ઉતારવામાં આવે તો સમાજનું મહાજન ઘરે ઘરે ફરીને મતદાર યાદી તૈયાર કરતુ નથી, કારણ તે પ્રક્રિયા ગામ હોય કે મહાનગર અંત્યત ખર્ચાળ સાબિત થાય, સમાજની યાદી સમાજના વ્યક્તિઓએ આપેલી માહિતી મુજબ જ બનતી હોય છે. કદાચ જૂની યાદી મુજબ કેટલાક સરનામાં બદલાયા હોય કેટલાક વ્યક્તિ મૃત્યુ પામ્યા હોય તે સ્વાભાવિક છે પરંતુ આવા મતદારોની સંખ્યાની ટકાવારી જોવામાં આવે તો માંડ પાંચ કે દસ ટકા જેટલી થાય. બાકી ના નેવું ટકા મતદારો વચ્ચે જઈ શું ચૂંટણી પ્રચાર ના કરી શકાય..?

હાલાઇ લોહાણા મહાજન ટ્રસ્ટના નિયમ મુજબ ચૂંટણીનો પ્રચાર કોઈ અખબાર,સામયિક,કે સોશિયલ મીડિયા પર કરી શકતો નથી, જે નિયમ ખરેખર ગેરવ્યાજબી છે, આ નિયમમાં સમય મુજબ બદલાવ ખુબ જરૂરી છે. પ્રચાર ફક્ત હાલાઇ લોહાણા મહાજનના મુખપત્ર ‘લોહાણા શક્તિ’માં જ થઇ શકતો હોય તો તેનો સ્પેશીયલ અંક ચૂંટણી સમયે છાપવો જોઈએ અથવા છાપવો જોઈતો હતો, જો કે ના છાપવાની નુકશાન બંને પક્ષને જાય છે કોઈ એક પક્ષને નુકશાન છે તેવું કહેવું વધારે પડતું થઇ જાય છે.

બીજું આ ચૂંટણીમાં વર્તમાન ટ્રસ્ટીઓની કામગીરીની વાત કરીએ તો તેમની ઉપર જે નાણકીય ગેરરીતી કે વહીવટી ગેરરીતીના આક્ષેપ કરવામાં આવ્યા હતા તે તમામ આરોપ ખોટા હોવાનું જણાવી તેમણે તમામ આરોપના મુદ્દાસર જવાબ આપ્યા છે, જેમાં ઉત્તરમાં સામે પક્ષે કોઈ નવો સવાલ કે નવો આરોપ આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી આવ્યો નથી.

ચૂંટણીના સંદર્ભે વાત કરવામાં આવે તો લોહાણા સમાજમાં બહુ ઓછી એવી સંસ્થાઓ જે જ્યાં લોકશાહીની પરંપરા મુજબ ચૂંટણી યોજાય છે. હાલાઇ લોહાણા મહાજન તેમાંની એક સંસ્થા છે, સૌ પહેલા તો ચૂંટણી યોજવા બદલ વર્તમાન સત્તાધીશોને અભિનંદન આપવા ઘટે. જો વર્તમાન ટ્રસ્ટીઓ ધારે તો અમદાવાદ સહીત અનેક મોટા લોહાણા મહાજનના બંધારણની માફ્ક હાલાઇ લોહાણા મહાજનમાં બહુમતીના જોરે બંધારણમાં સુધારો કરી અગર ઠરાવ કરી પોતાની આજીવન ટ્રસ્ટી જાહેર કરી શકે છે પરંતુ અહી એવું કશું થયું નથી, લોકશાહીની પરંપરાને જીવંત રાખી અહી ચૂંટણી યોજાઈ રહી છે, ચૂંટણી સમય આરોપ પ્રતિઆરોપ એક સામાન્ય વાત છે.

ચૂંટણીના ગણતરીના દિવસો બાકી છે ત્યારે તોફાની તાંડવ પરીવાર તરફથી બંને પેનલના ઉમેદવારોને શુભકામના પાઠવવામાં આવી છે, લોહાણા સમાજના અનેક વડીલોની મહેનત, તેમની કોઠા સૂઝ અને તેમની કાબિલિયતથી બનેલી લોહાણા સમાજની સંસ્થાના નામ પર દાગ ના લાગે તેનું ધ્યાન રાખવું એ સમાજના પ્રત્યેક વ્યક્તિની સહિયારી જવાબદારી છે અને તે જવાબદારી સમજી ચૂંટણી પ્રચાર કરવો જોઈએ અને ચૂંટણી લડવી જોઈએ, ભગવાન શ્રી કૃષ્ણએ ભાગવત ગીતામાં સ્પષ્ટ કહેલું છે, કર્મ આપણા હાથમાં હોય છે તેનું ફળ ક્યારેય આપણા હાથમાં હોતું નથી. સારા કર્મનું ફળ વહેલું કે મોડું સારું જ મળતું હોય છે.

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *