આંટીઘૂંટી વાળી અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠકનો ઈતિહાસ

આંટીઘૂંટી વાળી અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠકનો ઈતિહાસ

Spread the love

આંટીઘૂંટી વાળી અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠકનો ઈતિહાસ

ગુજરાતની લોકસભામાં કુલ ૨૬ બેઠકો પૈકી બે બેઠક અમદાવાદ શહેરની છે. જેમાં અમદાવાદ પશ્ચિમ અને અમદાવાદ પૂર્વ છે. સાથે આપને એ પણ જણાવી દઈએ કે અમદાવાદ શહેરનો અનેક વિસ્તાર ગાંધીનગર લોકસભા બેઠકમાં પણ આવે છે. આજે આપણે વાત કરવી છે અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠકની.

અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક ૨૦૦૮માં શહેરનો વ્યાપ વધતા અસ્તિત્વમાં આવેલી છે. ધંધુકા લોકસભા બેઠક અગાઉ એસ.સી.માટેની અનામત બેઠક હતી તેને બદલે હવે અમદાવાદ પશ્ચિમ એસ.સી.માટેની અનામત બેઠક બની છે.

૨૦૦૯,૨૦૧૪ અને ૨૦૧૯ માં ભારતીય જનતા પાર્ટી તરફથી ઉમેદવારી કરનાર કિરીટ સોલંકી આજસુધી આ બેઠક પર અજેય રહ્યા છે. હવે આ ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષોએ નવા ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. આ બેઠકમાં આવતી સાત વિધાનસભા બેઠક માંથી પાંચ બેઠક પર ભાજપનો ગત ચૂંટણીમાં વિજય થયેલો છે, જયારે ખાડિયા-જમાલપુર અને દાણીલીમડા બેઠક પર કોંગેસના ઉમેદવારોનો વિજય થયો છે. દરિયાપુર બેઠક પર સાંકડી સરસાઈથી ભાજપના કૌશિક જૈન વિજેતા બન્યા છે. જ્યારે આજ  લોકસભા અંતર્ગત આવતી એલીસબ્રીજ બેઠક પર ભાજપના અમિત શાહ એક લાખ કરતા વધુ મતોથી વિજયી બનેલા છે.

વર્ષ ૨૦૦૯ માં ભાજપના કિરીટ સોલંકી અને કોંગેસના શૈલેશ પરમાર વચ્ચેની સ્પર્ધામાં ભાજપના કિરીટ સોલંકીને ૫૪.૬૦% મત સાથે ૩,૭૬,૮૨૩ મત મળ્યા હતા જયારે કોંગેસના શૈલેશ પરમારને ૪૧.૪૦% મત સાથે ૨,૮૫,૬૯૬ મત મળ્યા હતા. બી.એસ.પી. સહીત અન્ય તમામ અપક્ષ ઉમેદવારોએ ડીપોઝીટ ગુમાવી હતી, ભાજપના કિરીટ સોલંકી આ નવી બનેલી બેઠક પર ૯૦૦૦૦ કરતા વધુ મતોથી વિજયી બન્યા હતા.

વર્ષ ૨૦૧૪ માં યોજાયેલ ચૂંટણીમાં ભાજપના વર્તમાન સાંસદ કિરીટ સોલંકી અને કોંગેસના ઈશ્વરભાઈ મકવાણા વચ્ચે સ્પર્ધા થઇ હતી જેમાં કિરીટ સોલંકીને ૬૩.૯૭ % માટે સાથે ૬,૧૪,૧૦૪ મત મળ્યા હતા અને કોંગેસના ઉમેદવાર ઈશ્વરભાઈ મકવાણાને ૩૦.૭૭ % મત સાથે ૨,૯૬,૭૯૩ મળ્યા હતા આમ આદમી પાર્ટીના ઉમેદવાર જે.જે.મેવાડાને ૧.૮૦% સાથે ૧૭,૩૩૨ મત મળ્યા હતા કિરીટ સોલંકી બીજી વાર આ બેઠક પર વિજયી બન્યા હતા.

વર્ષ ૨૦૧૯ માં યોજાયેલ ચૂંટણીમાં ભાજપે ફરી એક વખત વર્તમાન સાંસદ કિરીટ સોલંકીને ટીકીટ આપી હતી અને સામે પક્ષે રાજ્યસભાના સાંસદ રાજુ પરમાર કોંગ્રેસ તરફથી ઉમેદવાર બન્યા હતા. આ જંગમાં ભાજપના કિરીટ સોલંકીને ૬૪.૩૫% મત સાથે ૬,૪૧,૬૨૨ મત મળ્યા હતા સામે કોંગેસના ઉમેદવાર રાજુ પરમારને ૩૨.૧% મત સાથે ૩,૨૦,૦૭૬ મત મળ્યા હતા અને ભારે મતોના અંતરથી ફરી એકવાર કિરીટ સોલંકી આ બેઠક પર વિજયી બન્યા હતા.

 વર્ષ ૨૦૨૪ ની લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ કિરીટ સોલંકીને રીપીટ કર્યા નથી તેમના બદલે યુવાનેતા, પૂર્વ ડે.મેયર દિનેશ મકવાણાને ટીકીટ આપી છે, સામે પક્ષે કોંગ્રેસ પક્ષે ભરત મકવાણાને ટીકીટ આપી છે.

અમદાવાદ શહેર છેલ્લા ઘણા વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનો ગઢ બની રહ્યું છે તેમાં ય અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠકમાં આવતી સાત વિધાનસભા બેઠકો એલીસબ્રીજ, દરિયાપુર, ખાડિયા-જમાલપુર, મણીનગર, દાણીલીમડા, અસારવા અને અમરાઈવાડી બેઠકમાં દાણીલીમડા અને ખાડિયા સિવાય તમામ બેઠક પર ભાજપના ઉમેદવારો ભારે મતોના અંતરથી વિજયી બનેલા છે.

હાલના સંજોગો જોતા આ બેઠક ભારતીય જનતા પાર્ટી માટે જીતવી કોઈ મોટી વાત નહી હોય અહી ફરી એકવાર ભાજપનું કમળ ખીલશે તેવું સંજોગો જોતા લાગી રહ્યું છે.

અહી આ બેઠકને આંટીઘૂંટી વાળી બેઠક એટલે કહેવું પડે તેમ છે કારણ કે આ બેઠક અમદાવાદ પશ્ચિમ બેઠક હોવા છતાં પૂર્વની વિધાનસભા બેઠકોનો આ બેઠકમાં સમાવેશ કરેલ છે, જયારે પશ્ચિમની કેટલીક વિધાનસભા બેઠકોનો ગાંધીનગર લોકસભા બેઠકમાં સમાવેશ કરેલ છે.

 

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *